મુંબઇ, બોલીવૂડના દિગ્ગજ એક્ટર નસીરુદ્દીન શાહને ધ કેરલ સ્ટોરી જેવી ફિલ્મ જોવામાં રસ નથી. તે કહે છે કે ભીડ અને અફવા જેવી ફિલ્મો ફ્લોપ ગઈ પરંતુ ધ કેરલ સ્ટોરી સુપરહિટ થઈ. નસીરુદ્દીનના મતે આજકાલ કેટલીક ફિલ્મોનો ઉપયોગ પ્રોપેગંડા અને દુષ્પ્રચાર માટે થઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આજના સમયમાં મુસ્લિમોથી નફરત કરવી એ ફેશન બની ગઈ છે. લોકોમાં ચતુરાઈથી મુસ્લિમો પ્રત્યે નફરત પેદા કરવામાં આવી રહી છે. અભિનેતાએ કહ્યું કે આમ તો આ ધર્મનિરપેક્ષ લોકશાહી દેશ છે પરંતુ તેમ હોવા છતાં દરેક જગ્યાએ ધર્મની વાત કરવામાં આવે છે. ધર્મના નામે વોટ માંગનારા નેતાઓને ચૂંટણી પંચ પણ કશું કહેતું નથી.
નસીરુદ્દીન શાહે કહ્યું કે પ્રચાર અને નફરત સામે લડવા માટે કલાકારોએ આગળ આવવું પડશે. તેઓએ પોતાનો અવાજ ઉઠાવવો પડશે. નસીરને પૂછવામાં આવ્યું કે આવા સમયમાં કલાકારોએ શું કરવું જોઈએ. તેના જવાબમાં તેણે કહ્યું કે કોઈને ખુશ કરવા માટે કોઈ કામ ન કરવું જોઈએ. એવી વસ્તુઓ ન કરો જે તમને અનુકૂળ ન હોય. નસીરે કહ્યું કે તેણે ધ કેરલા સ્ટોરી જોઈ નથી કારણ કે તેણે ફિલ્મ વિશે ઘણું સાંભળ્યું હતું, તેથી તેને જોવામાં રસ ન હતો.
નસીરુદ્દીને કલાકારોને સલાહ આપી છે કે તે ફિલ્મોનો ભાગ ન બનો જે તમારી માન્યતાઓ વિરુદ્ધ હોય. જે તમે પોતે માનતા નથી. નસીરે કહ્યું કે આજનો સમય ચિંતાજનક છે. નફરત ફેલાવનારા કન્ટેન્ટ લોકો સમક્ષ રજુ કરવામાં આવી રહ્યા છે.
નસીર કહે છે કે આજના સમયમાં ધર્માંધતા ઘણી વધી ગઈ છે. દેશના નેતાઓ ધર્મના નામે લોકોને વહેંચી રહ્યા છે. ચૂંટણી પંચ પણ આવા નેતાઓને કશું કહેતું નથી. જો કોઈ મુસ્લિમ નેતા અલ્લાહ હુ અકબર કહીને વોટ માંગશે તો હંગામો થશે. જોકે આ રમત લાંબો સમય નહીં ચાલે.