કેરળ સરકાર કેન્દ્ર પાસે રાજ્યપાલને હટાવવાની માંગ કરશે, મુખ્યમંત્રી વિજયન

કોલ્લમ, કેરળના મુખ્યમંત્રી પી વિજયને જણાવ્યું છે કે, તેમની સરકાર રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનને હટાવવા કેન્દ્ર સમક્ષ માંગણી કરવાની વિચારણા કરી શકે. ઘણા સમયથી સરકાર અને રાજ્યપાલ વચ્ચે ’તૂ તૂ મૈં મૈં’ ચાલી રહી છે ત્યારે વિજયને ઘર્ષણ વધુ વકરવાનો સંકેત આપ્યો છે.

કેરળના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ’આરીફ મોહમ્મદ ખાન ઇરાદાપૂર્વકની ઉશ્કેરણી દ્વારા રાજ્યનો શાંતિપૂર્ણ માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સારા સંબંધો જાળવવા રાજ્યપાલના પગલાંમાં સુધારો જરૂરી છે. રાજ્ય સરકારને લાગે છે કે તે રાજ્યમાં સુમેળભર્યો મહોલ ડહોળવા પ્રયાસ કરી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે અમારે તેમને હટાવવા કેન્દ્ર સરકારને જણાવવું પડશે.’ વિજયને જણાવ્યું હતું કે, ’રાજ્યપાલ હવે વ્યક્તિગત હુમલા કરી રહ્યા છે. તે મનમાં જે આવે તે બોલી રહ્યા છે. તેમની વર્તણૂક રાજ્યપાલના હોદ્દાને છાજે તેવી નથી. કેન્દ્ર સરકારે સમગ્ર બાબતની તપાસ કરવી જોઇએ.’

વિજયને જણાવ્યું હતું કે, ’સંઘ પરિવાર દેશભરની યુનિવર્સિટી પર નિયંત્રણ જમાવવા માંગે છે. જોકે, તેમનો શૈક્ષણિક ક્ષેત્ર પર નિયંત્રણ અને ભગવાકરણનો તેમનો એજન્ડા કેરળમાં ચાલશે નહીં.’ તેમણે કહ્યું હતું કે, ’સામાન્ય રીતે સરકાર યુનિવર્સિટી એ તૈયાર કરેલી યાદીમાંથી સેનેટના સભ્યોની નિમણૂક કરે છે પણ ખાને સંઘ પરિવાર સાથે જોડાયેલા લોકોની નિમણૂક કરી છે.