કેરળ પુથુપલ્લી વિધાનસભા પેટાચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રીનો પુત્ર ચાંડી ઓમાનની ભવ્ય જીત

  • ત્રિપુરા પેટાચૂંટણીમાં ભાજપે બંને બેઠકો પર ભગવો લહેરાવ્યો, બોક્સાનગર અને ધાનપુર સીટો પર ભવ્ય જીત થઇ છે.

નવીદિલ્હી, કેરળની પથુવલ્લી વિધાનસભાની પેટાચુંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ઉમેદવાર ચાંડી ઓમને કેરળમાં પુથુપલ્લી વિધાનસભા પેટાચૂંટણીમાં ૩૬,૪૫૪થી વધુ મતોથી જીત મેળવી છે. આ પહેલા વર્ષ ૨૦૧૧માં પૂર્વ મુખ્યમંત્રી ઓમેન ચાંડીએ સીપીએમના સુજા સુસાન જ્યોર્જ સામે ૩૩,૨૫૫ વોટથી જીત મેળવી હતી. હવે ૧૧ વર્ષ બાદ ઓમેન ચાંડીના પુત્ર ચાંડી ઓમેન જૂના રેકોર્ડને તોડીને ૩૬,૪૫૪ મતોથી જીત્યા છે.

આ વર્ષે, પુથુપલ્લી વિધાનસભા પેટાચૂંટણીમાં ૭૨.૯૧ ટકા મતદાન નોંધાયું હતું, જે ગયા વખતના મતદાન કરતાં ૫ ટકા ઓછું છે. ગત વર્ષે ૭૭.૩૬ ટકા મતદાન થયું હતું. છેલ્લી ૨૦૨૧ પેટાચૂંટણીમાં, ઓમેન ચાંડીને ૬૩,૩૭૨ મત મળ્યા, જ્યારે જેક ૫૪,૩૨૮ મતો સાથે બીજા ક્રમે અને ભાજપના એન હરિને માત્ર ૧૧,૬૯૪ મત મળ્યા. દક્ષિણ કોટ્ટાયમ જિલ્લામાં સ્થિત આ મતવિસ્તારમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી શબ્દ યુદ્ધ જોવા મળી રહ્યું છે કારણ કે પેટાચૂંટણી રાજ્યમાં શાસક અને વિપક્ષ બંને મોરચા માટે પ્રતિષ્ઠિત લડાઈ છે. આજે સવારથી શરૂ થયેલા મતદાનમાં સૌથી પહેલા સેવા મતપત્રોની ગણતરી કરવામાં આવી હતી.

પુથુપલ્લીમાં કુલ બૂથની સંખ્યા ૧૮૨ છે અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં મતોની ગણતરી ૧૩ રાઉન્ડમાં પૂર્ણ થઈ હતી. મતગણતરી સ્થળની સુરક્ષા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના ૩૨ સભ્યો અને ૧૨ સભ્યોની આર્મ્ડ પોલીસ બટાલિયન તૈનાત કરવામાં આવી હતી. આ વખતે, કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમેન ચાંડીના મૃત્યુને કારણે, તેમના પુત્ર ચાંડી ઓમેનને પુથુપલ્લી વિધાનસભા પેટાચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જ્યારે સીપીએમના યુવા નેતા જેક સી. થોમસને એલડીએફના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે લિજીન લાલને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે મતવિસ્તારમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ પણ લ્યુકને તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા.

દરમિયાન ત્રિપુરામાંમા ૫ સપ્ટેમ્બરે બોક્સાનગર અને ધાનપુર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં શાસક ભાજપે જીત મેળવી છે. ત્રિપુરાની આ બંને બેઠકો પર ભાજપ અને વિપક્ષી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) વચ્ચે મુકાબલો હતો. બોક્સાનગર અને ધાનપુર બેઠકો પર યોજાયેલી ચૂંટણીની મતગણતરી શુક્રવારે કરવામાં આવી હતી. ચૂંટણી પંચના આંક મુજબ બંને બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે.

હકિક્તમાં બોક્સાનગર અને ધાનપુર બેઠકો પર ટીપરા મોથા અને કોંગ્રેસ સિવાય અન્ય બે વિપક્ષી પાર્ટીઓઓએ તેમના ઉમેદવારો ઉભા રાખ્યા નથી. ભાજપ તરફથી તફઝલ હુસૈન બોક્સાનગરમાં અને બિંદુ દેબનાથ ધાનપુરમાં મેદાનમાં હતા. જ્યારે સીપીઆઈ-એમએ બોક્સાનગરમાં મિઝાન હુસૈન અને ધાનપુરમાં કૌશિક ચંદાને મેદાનમાં ઉતાર્યા હતા. શરૂઆતમાં બંને બેઠકો પર થોડી રસાક્સી જોવા મળી પરંતુ ટૂંક સમયમાં પરિણામો ભાજપ તરફ વળવા લાગ્યા.

બોક્સનગર વિધાનસભા સીટ પર બીજેપીના તફઝલ હુસૈનને ૩૪,૧૪૬ વોટ મળ્યા, જ્યારે બીજા ક્રમે રહેલા સીપીઆઈ-એમના મિઝાન હુસૈનને માત્ર ૩૯૦૯ વોટ મળ્યા. આ રીતે તફઝલ હુસૈને મિઝાન હુસૈનને લગભગ ૩૦ હજાર મતોના જંગી અંતરથી હરાવ્યા. ધાનપુર વિધાનસભા બેઠક પર બીજેપીના બિંદુ દેબનાથને ૩૦૦૧૭ વોટ મળ્યા છે, જ્યારે સીપીઆઈ-એમના નેતા કૌશિક ચંદા ૧૧૧૪૬ વોટ મળતાં ૧૯ હજારથી વધુ વોટથી બીજેપી નેતાએ જીત મેળવી છે.

ત્રિપુરાની બોક્સાનગર વિધાનસભા બેઠક પરથી સીપીઆઈ એમના શમશૂલ હક ધારાસભ્ય હતા. પરંતુ તેમના આકસ્મિક નિધનને કારણે આ બેઠક ખાલી પડી હતી, ત્યારબાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જ્યારે ધાનપુર બેઠક પર કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાથી આ બેઠક ખાલી પડી હતી. બંને બેઠકો જીત્યા બાદ રાજ્યમાં સત્તાધારી ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં વધારો થયો છે. માત્ર ત્રિપુરામાં જ નહીં, પણ ઉત્તર પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઝારખંડ અને કેરળની કેટલીક બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે.