તિરુવનંતપુરમ,
કેરળ સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતા જાહેરાત કરી હતી કે, હવેથી રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ આવતી તમામ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓને માસિક ધર્મની રજાઓ મંજૂર કરવામાં આવશે.
આ પહેલા કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ વિદ્યાર્થીનીઓને માસિક ધર્મમાં રજા આપવાની વાત કરી હતી. બાદમાં કેરળના ઉચ્ચ શિક્ષણ મંત્રી આર. બિન્દુએ રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ માટે પણ આ જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, માસિક ધર્મ વખતે વિદ્યાર્થીઓને સહન કરવી પડતી શારીરિક અને માનસિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તમામ યુનિવર્સિટીઓ એ દિવસોમાં રજા આપવા જરૂરી પગલાં લેશે.
કોચિન યુનિવર્સિટીનો નિર્ણય આવકાર્ય છે. કેરળમાં પહેલીવાર માસિક ધર્મની રજા આપવાની જાહેરાત કરી છે. એસએફઆઈનું નેતૃત્વ ધરાવતા યુનિયનના એક પ્રેઝન્ટેશન પછી કોચિન યુનિવર્સિટીએ આ નિર્ણય લીધો હતો. વિદ્યાર્થીની ઓ ઘણાં સમયથી માસિક ધર્મમાં રજાની માંગ કરતી હતી. ૧૧મી જાન્યુઆરીએ વિદ્યાથનીઓને દરેક સેમેસ્ટરમાં બે ટકા હાજરીમાં છૂટ અપાઇ હતી. આર. બિંદુએ કહ્યું હતું કે, માસિક ધર્મનો ગાળો અનેક યુવતીઓ માટે ઇમોશનલ રોલર કોસ્ટર જેવો હોય છે.