કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શી જિનપિંગને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવા પર અભિનંદન પાઠવ્યા

કોચ્ચી,

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ’ક્રાંતિકારી’ શુભેચ્છા પાઠવી છે. શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા છે. જિનપિંગને અભિનંદન આપતા પિનરાઈ વિજયને કહ્યું છે કે ચીન વધુ સમૃદ્ધ બનવું જોઈએ.પિનરાઈ વિજયને ટ્વિટ કરીને શી જિનપિંગ અને ચીનને અભિનંદન પાઠવ્યા છે.

તેમણે ટ્વીટ કર્યું, રાષ્ટ્રપતિ શી જિનપિંગને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ ક્રાંતિકારી અભિનંદન. તે ખરેખર પ્રશંસનીય છે કે ચીન વૈશ્ર્વિક રાજકારણમાં એક મોટા અવાજ તરીકે ઉભરી આવ્યું છે. ચીનને વધુ સમૃદ્ધ બનાવવા માટે તમારા સતત પ્રયાસો માટે શુભેચ્છાઓ.

શુક્રવારે (૧૦ માર્ચ) ચીનની સંસદ ’નેશનલ પીપલ્સ કોંગ્રેસ’એ સર્વસંમતિથી ૬૯ વર્ષીય રાષ્ટ્રપતિ શી જિનપિંગના પાંચ વર્ષના કાર્યકાળને સમર્થન આપ્યું હતું. આ સાથે તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપતિ બન્યા છે. ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં તેની કોંગ્રેસ (મીટિંગ)માં શી જિનપિંગને સીપીસીના નેતા તરીકે ચૂંટ્યા હતા. પાર્ટી દર પાંચ વર્ષે કોંગ્રેસનું આયોજન કરે છે અને તેના નેતાને પસંદ કરે છે. પાર્ટીના વડા તરીકે ત્રીજી પાંચ વર્ષની મુદત માટે ચૂંટાયા પછી, શી જિનપિંગ સીપીસીના સ્થાપક માઓ ઝેડોંગ પછી આવી સિદ્ધિ મેળવનારા પ્રથમ નેતા બન્યા. અહેવાલો અનુસાર, એવી સંભાવના છે કે શી જિનપિંગ આજીવન ચીનના રાષ્ટ્રપતિ રહેશે.