કોચ્ચી, દક્ષિણ ભારતમાં ઓનમના તહેવારને લઇ આનંદીત માહોલ બન્યો છે દરેક જણ ઓણમના તહેવારને લઈને ઉત્સાહિત છે. આ તહેવાર ખાસ કરીને કેરળમાં મુખ્ય રીતે ઊજવવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને ખેડૂતોનો આ તહેવાર છે, જે પાક ને સારા મોસમનો આભાર વ્યક્ત કરવા માટે ઊજવવામાં આવે છે. આ વર્ષે ઓણમ સીઝનમાં લોકોએ ખૂબ જામ છલકાવ્યા છે, જેને જોઈને લાગે કે દેશમાં મોંઘવારી કોઈને નથી નડતી.
કેરળમાં દારૂની રેલમછેલ થઈ છે, જેણે પાછલા વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સીઝનના પહેલા નવ દિવસોમાં સોમવાર સુધી રાજ્યમાં રૂ. ૬૬૫ કરોડના રેકોર્ડ વેચાણ નોંધાયું છે, જે પાછલા વર્ષે રૂ. ૬૨૪ કરોડની તુલનાએ રૂ. ૪૧ કરોડ વધુ નોંધાયું છે. આ વર્ષે ઓણમ ૩૦ ઓગસ્ટથી શરૂ થઈને આઠ સપ્ટેમ્બર સુધી ચાલશે. એક અહેવાલ અનુસાર કેરળ સ્સેટ બેવરેજીસ કોર્પોરેશનના ’ઉથ્રાડોમ દિવસે’ બેવકો આઉટલેટ્સના માધ્યમથી દારૂનું કુલ વેચાણ રૂ. ૧૧૨ કરોડથી વધીને આ વર્ષે રૂ. ૧૧૬.૧ કરોડ નોંધાયું હતું.
બેવકોના અધિકારીઓએ કહ્યું હતું કે બુધવાર સુધીમાં દારૂનું કુલ વેચાણ રૂ. ૭૭૦ કરોડ થવાની અપેક્ષા છે, જે ગયા વર્ષે રૂ. ૭૦૦.૦૬ કરોડ હતું. મલયાલમ નવું વર્ષ ઓણમના દિવસે શરૂ થાય છે. આ તહેવાર મલયાલમ કેલેન્ડરના ચિંગમ મહિનામાં ઊજવવામાં આવે છે. આ તહેવાર સામાજિક અને સાંસ્કૃતિક એક્તાને પ્રતિબિંબિત કરે છે. ઓણમ તહેવારમાં પરંપરાગત નૃત્યો, ભવ્ય શોભાયાત્રા, આનંદસભર મેળાવળા અને પ્રાર્થના દ્વારા રાજા મહાબલીના પરત ફરવાની ઉજવણી કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓએ પારંપારિક પોશાક પહેરીને નૃત્યો કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પારૂલ યુનિવર્સિટીના કેમ્પસમાં ૬૦૦૦થી વધુ દક્ષિણ ભારતીય વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.