કોઝિકોડ, કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કારણે બે લોકોનાં મોત બાદ કન્નુર, વાયનાડ અને મલપ્પુરમમાં ૩ વધુ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંની ૭ ગ્રામ પંચાયતોને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવી છે. કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો અને હોસ્પિટલોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
કોઝિકોડ જિલ્લા અધિકારીએ ૭ પંચાયતોમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો, બેંકો અને સરકારી સંસ્થાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. માત્ર દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને સવારે ૭ થી સાંજના ૫ વાગ્યા સુધી ખોલવાની મંજૂરી છે.કેરળમાં અત્યાર સુધીમાં નિપાહ વાયરસના ૪ કેસ નોંધાયા છે, જેમાં બે લોકોનાં મોત થયા છે. બુધવારે રાજ્ય સરકારે એસેમ્બલીમાં જણાવ્યું હતું કે નિપાહ વાયરસની તપાસ કરવા પુણેથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ આજે કેરળ આવશે.એનઆઇવી ટીમ કોઝિકોડ મેડિકલ કોલેજમાં ચામાચીડિયાનું સર્વેક્ષણ પણ કરશે.
આ પહેલા કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે મંગળવારે રાત્રે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં તમામ ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ, જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે નિપાહ વાયરસને પહોંચી વળવા જરૂરી પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ વિસ્તારમાં કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગે ભારતીય તબીબી સંશોધન પરિષદ સાથે પણ વાતચીત કરી હતી અને રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે મોનોક્લોનલ એન્ટિબોડીઝની ઉપલબ્ધતાની ખાતરી આપી હતી.
કેરળમાં નિપાહને કારણે પ્રથમ મૃત્યુ ૩૦ ઓગસ્ટે અને બીજું મૃત્યુ ૧૧ સપ્ટેમ્બરના રોજ થયું હતું. સ્વાસ્થ્ય મંત્રીએ મંગળવારે કહ્યું હતું કે બંને મૃતકોના સેમ્પલ પુણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. તેણે વધુ બે દર્દીઓ મળ્યાની પુષ્ટિ કરી હતી. જેમાં ૯ વર્ષનો બાળક અને ૨૪ વર્ષનો યુવક સામેલ છે. બંનેની સારવાર ચાલી રહી છે. આરોગ્ય મંત્રીએ સ્થાનિક આરોગ્ય કર્મચારીઓને તેમના વિસ્તારોમાં કડક તકેદારી રાખવા સૂચના આપી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ૧૨ સપ્ટેમ્બરે એક પોસ્ટમાં કહ્યું હતું કે નિપાહ વાયરસના કારણે બે લોકોનાં મોતને લઈને સરકાર ગંભીર છે. મૃતકના સંપર્કમાં રહેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. કોઝિકોડમાં આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં હજુ સુધી નિપાહનો પ્રકોપ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી.
૨૦૧૮માં કેરળના કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે ૧૭ લોકોનાં મોત થયા હતા. આ પહેલા ૨૦૧૯માં કોચીમાં નિપાહ વાયરસનો કેસ સામે આવ્યો હતો. તે જ સમયે, ૨૦૨૧ માં પણ કોઝિકોડમાં નિપાહ વાયરસનો એક કેસ મળ્યો હતો. નિપાહ વાયરસ ચામાચીડિયા અને ડુક્કર જેવા પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાઈ શકે છે. આ રોગનો મૃત્યુ દર ઘણો ઊંચો છે. અત્યાર સુધી કોઈ સારવાર કે રસી (ઈન્જેક્શન) ઉપલબ્ધ નથી. ઝૂનોટિક વાયરસ એ એક છે જે પ્રાણીઓમાંથી માણસોમાં અથવા માણસોથી પ્રાણીઓમાં ફેલાય છે. ટોરોન્ટો હેલ્થ સાયન્સ સેન્ટરના માઈક્રોબાયોલોજિસ્ટ ડૉ. સમીરા મુબારેકાના જણાવ્યા અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે ચામાચીડિયાને મનુષ્યમાં કોઈ રોગનું કારણ તરીકે નામ આપવામાં આવ્યું હોય. તે ઘણા પ્રકારના વાઈરસનું વાહક છે, જે અગાઉ પણ સાબિત થઈ ચૂક્યું છે. ચામાચીડિયાની કેટલીક પ્રજાતિઓ હડકવા, ઇબોલા અને નિપાહ વાયરસના વાહક પણ છે.
નિષ્ણાતોના મતે નિપાહ વાયરસ માત્ર પ્રાણીઓ દ્વારા જ નહીં પરંતુ એક સંક્રમિત વ્યક્તિથી બીજામાં પણ ફેલાય છે.નિપાહ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં માથાનો દુખાવો, ઉલ્ટી જેવી લાગણી, શ્ર્વાસ લેવામાં તકલીફ અને ચક્કર જેવા વાયરલ તાવ જેવા લક્ષણો દેખાય છે. જો આ લક્ષણો ૧-૨ અઠવાડિયા સુધી ચાલુ રહે, તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.