કેરળમાં નિપાહ વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. કોઝિકોડમાં એક 39 વર્ષીય વ્યક્તિ વાયરસથી સંક્રમિત મળી આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર એક્ટિવ કેસ વધીને 4 થઈ ગયા છે. કેરળમાં અત્યાર સુધીમાં નિપાહના કુલ 6 કેસ નોંધાયા છે જેમાં 2 લોકોના મોત થયા છે.
કેરળના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે મૃત્યુ પામેલ વ્યક્તિ હાલમાં કોઝિકોડની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્ય સરકારે સંક્રમણને ફેલાતો અટકાવવા તૈયારીઓ મજબૂત કરી છે. કોઝિકોડમાં જ્યાં સંક્રમણ જોવા મળ્યું છે તે ગ્રામ પંચાયતોને ક્વોરેન્ટાઇન ઝોન જાહેર કરવામાં આવી છે.
મૃતક વ્યક્તિના કોન્ટેક્ટ લિસ્ટમાંથી હાઈ રિસ્ક કેટેગરીના 15 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, સંક્રમિતોના કોન્ટેક્ટ લિસ્ટમાં 950 લોકોનો સમાવેશ થાય છે, જેમાંથી 213 લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં છે. કોન્ટેક્ટ લિસ્ટમાં 287 આરોગ્ય અધિકારીઓ પણ સામેલ છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારે ગુરુવારે પુણેમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ- નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (ICMR-NIV) ની મુલાકાત લીધી હતી. તેમણે નિપાહ વાયરસને રોકવા માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી હતી.
તેમણે કહ્યું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યને વાયરસ સામે લડવામાં મદદ કરવા માટે ડો માલા છાબરાની આગેવાની હેઠળ એક ટીમની નિમણૂક કરી છે. કેન્દ્ર અને ICMR-NIV એ ગ્રાઉન્ડ ટેસ્ટિંગ માટે કોઝિકોડ ખાતે ઉચ્ચ સ્તરીય ટીમ મોકલી છે. આ ટીમને બાયોસેફ્ટી લેવલ 3 (BSL-3) સાથે મોબાઇલ યુનિટ સાથે મોકલવામાં આવી છે.
આ દરમિયાન, કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 15 સપ્ટેમ્બરે કેરળ પહોંચેલા નિપાહ સંક્રમણની સારવાર માટે જરૂરી મોનોક્લોનલ એન્ટિબોડીઝ માટે ICMRને કહ્યું હતું.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેકનોલોજી (RGCB), તિરુવનંતપુરમની મોબાઈલ વાઈરોલોજી ટેસ્ટિંગ લેબને પણ કોઝિકોડ મોકલવામાં આવી છે.
જ્યારે કેરળના પડોશી રાજ્ય કર્ણાટકમાં સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં સામાન્ય લોકોને કેરળના પ્રભાવિત વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. પરિપત્રમાં, અધિકારીઓને કેરળની સરહદે આવેલા જિલ્લાઓ (કોડાગુ, દક્ષિણ કન્નડ, ચામરાજનગર અને મૈસૂર) માં વધુ દેખરેખ રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
WHO અનુસાર, નિપાહ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં માથાનો દુખાવો, ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવવાની સાથે વાયરલ તાવના લક્ષણો જોવા મળે છે. નિપાહ વાઇરસના કારણે મૃત્યુ દર ખૂબ જ વધારે છે.
અત્યાર સુધી કોઈ સારવાર કે રસી (ઈન્જેક્શન) ઉપલબ્ધ નથી. જો લક્ષણો 1-2 અઠવાડિયા સુધી ચાલુ રહે, તો ડૉક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.
WHO અનુસાર નિપાહ વાઇરસ સૌપ્રથમ 1998માં મલેશિયાના સુંગાઈ નિપાહ ગામમાં જોવા મળ્યો હતો. આ ગામના નામ પરથી તેનું નામ નિપાહ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ડુક્કર ઉછેરનારા ખેડૂતોને આ વાઇરસનો ચેપ લાગ્યો હતો.
મલેશિયા કેસના અહેવાલ મુજબ, કૂતરા, બિલાડી, બકરી, ઘોડા જેવા પાલતુ પ્રાણીઓ દ્વારા ચેપ ફેલાવવાના કેસ પણ નોંધાયા હતા. મલેશિયા બાદ આ જ વર્ષે સિંગાપોરમાં પણ આ વાઇરસ જોવા મળ્યો હતો.
આ પછી 2001માં બાંગ્લાદેશમાં પણ આ વાઇરસથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. થોડા સમય પછી, બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદની આસપાસ પણ નિપાહ વાઇરસના દર્દીઓ મળવા લાગ્યા.
કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્યમાં પુષ્ટિ થયેલ વાયરસ બાંગ્લાદેશી વેરિયન્ટ છે. તે માણસમાંથી માણસમાં ફેલાય છે. આ વાયરસથી મૃત્યુ દર વધારે છે, પરંતુ તે ઓછો ચેપી છે.