
કેરળમાં મગજને અસર કરતા નવા વાયરસની ઓળખ કરવામાં આવી છે. કેરળ સરકારે તેને અમીબિક મેનિન્ગોએન્સફાલીટીસ નામ આપ્યું છે. આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે ૭ ઓગસ્ટની મોડી રાત્રે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વાયરસના કુલ ૧૫ કેસ નોંધાયા છે. જેના કારણે ૫ દર્દીઓના મોત થયા છે. બીજી તરફ, પુણેમાં પણ બે મહિનામાં ઝિકા વાયરસના વધુ સાત નવા કેસ નોંધાયા છે. જેમાં ૬ ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે.
કેરળમાં ૨૦૧૬માં એમોબિક મેનિન્ગોએન્સફાલીટીસનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ પછી ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૨માં એક-એક કેસ જોવા મળ્યો હતો. આ તમામ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ રોગમાં દર્દીને તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી અને માનસિક આંચકા આવે છે.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે નવા વાયરસને લઈને મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે, જે કેસ પર નજર રાખી રહ્યું છે. જો કે હજુ સુધી કોઈ માર્ગદશકા બનાવવામાં આવી નથી. પરંતુ કેન્દ્ર સરકારે વાયરસની સારવાર માટે દવાઓ સપ્લાય કરી છે. તેમજ જર્મનીથી દવાઓ ખરીદવામાં આવી રહી છે. આ વાયરસના સૌથી વધુ ૭ કેસ તિરુવનંતપુરમમાં નોંધાયા છે.
આ વાયરસને ‘પ્રાઈમરી એમોબીક મેનિન્ગોએન્સફાલીટીસ’ એટલે કે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાયરસ ગંદા પાણીમાં જોવા મળતા પ્રી-લિવિંગ અમીબાના કારણે થાય છે. તે નાકની પાતળી ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. અમેરિકાના સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ અનુસાર, આ વાયરસને બ્રેઈન ઈટિંગ અમીબા પણ કહેવામાં આવે છે.
જ્યારે મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે ઝીકા વાયરસના ૮ નવા કેસ મળી આવ્યા હતા. જેમાં ૬ ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર, જૂનથી અત્યાર સુધીમાં લગભગ ૮૧ કેસ નોંધાયા છે. એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં આ વાયરસને કારણે ૪ દર્દીઓના મોત થયા છે. જો કે આ તમામ દર્દીઓ અન્ય રોગોથી પણ પીડિત હતા.