કેરળમાં લેપ્ટોસ્પાયરોસિસ નામના ચેપી રોગથી ૪૧થી વધુ લોકોના મોત

કોચ્ચી, કેરળ આ દિવસોમાં ગંભીર ચેપી રોગની ઝપેટમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વરસાદ અને જળબંબાકારના કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે. ભારતીય હવામાન વિભાગે કેરળના ઘણા જિલ્લાઓમાં વરસાદને લઈને ’યલો એલર્ટ’ જાહેર કર્યું છે જે બુધવાર સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

ચોમાસા પહેલાના વરસાદ અને પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકો માટે આરોગ્યના અનેક પડકારો પણ સર્જાયા છે. આ જ કારણ છે કે રાજ્યના ઘણા જિલ્લાઓમાં લેપ્ટોસ્પાયરોસિસ નામના ચેપી રોગના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં લેપ્ટોસ્પાયરોસિસના કારણે ૪૧થી વધુ લોકોના મોત થયા છે.

મળતી માહિતી અનુસાર, દૂષિત પાણીના સંપર્કને કારણે આ ચેપી રોગ ફેલાવવાનું જોખમ વધારે જોવા મળે છે. તાવ અને માથાનો દુખાવો સાથે શરૂ થતા આ સંક્રમણના લક્ષણો સમય જતાં ગંભીર થઈ જાય છે, જેના કારણે જીવલેણ સમસ્યાઓનું જોખમ રહે છે. કેરળમાં જ્યાં વરસાદ ચાલુ છે ત્યાં લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

અહેવાલ મુજબ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના કેરળ એકમના ડો. રાજીવ જયદેવન કહે છે કે, લેપ્ટોસ્પાયરોસિસથી સંક્રમિત લોકોમાંથી ૧૦ ટકા મૃત્યુ પામે છે. તેથી, જે લોકોમાં ચેપના લક્ષણો દેખાઈ રહ્યા છે તેમના માટે સમયસર ડોક્ટરની સલાહ લેવી અને સારવાર લેવી મહત્વપૂર્ણ છે. આ સિવાય દૂષિત પાણીના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.

લેપ્ટોસ્પાયરોસિસ એ લેપ્ટોસ્પાયરા બેક્ટેરિયાથી થતો રોગ છે. આ રોગ દૂષિત પાણી તમારા નાક, મોં, આંખોમાં જવાથી અથવા ત્વચાના કોઈપણ ઘા સાથે તેના સંપર્કને કારણે થઈ શકે છે. તે એક ઝૂનોટિક રોગ માનવામાં આવે છે, જેનો અર્થ છે કે તે મનુષ્યો અને પ્રાણીઓ વચ્ચે ફેલાતો રોગ છે. દર વર્ષે સમગ્ર વિશ્ર્વમાં ૧૦ લાખથી વધુ લોકો આ ચેપી રોગનો શિકાર બને છે, જેમાંથી ૬૦ હજારથી વધુ લોકો મૃત્યુ પામે છે.