- વિવાદ વધતાં યુનિયને દાવો કર્યો છે કે મુશર્રફનું નામ ભૂલથી છપાયું હતું અને ભૂલની જાણ થતાં તેને સુધારી લેવામાં આવી હતી.
દક્ષિણના રાજ્ય કેરળમાં એક નવો વિવાદ ઉભો થયો છે. અહીં એક કાર્યક્રમમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને શ્રદ્ધાંજલિ આપવાની તૈયારીઓ ચાલી રહી હતી. આ કાર્યક્રમમાં જેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવનાર હતી તેમાં મુશર્રફનું નામ સામેલ હતું.કેરળના અલપ્પુઝામાં બેંક ઓફ ઈન્ડિયાના સ્ટાફ યુનિયનની સ્ટેટ કોન્ફરન્સ હતી. આ કોન્ફરન્સમાં વિશ્ર્વની અનેક પ્રખ્યાત હસ્તીઓને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવનાર હતી.જો કે, વિવાદ વધતાં યુનિયને દાવો કર્યો છે કે મુશર્રફનું નામ ભૂલથી છપાયું હતું અને ભૂલની જાણ થતાં તેને સુધારી લેવામાં આવી હતી. બાદમાં આ કાર્યક્રમમાં મુશર્રફનું નામ લેવામાં આવ્યું ન હતું.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ તેઓ તેમાં હાજર રહ્યા ન હતા. તે જ સમયે, મુશર્રફનું નામ સામેલ કર્યા પછી, ભાજપે વિરોધમાં અલપ્પુઝામાં સ્થળ સુધી કૂચ પણ કરી હતી.કારગિલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠના એક દિવસ બાદ આ મામલો સામે આવ્યો છે. મુશર્રફે જ પાકિસ્તાની સેનાને કારગીલમાં ઘૂસણખોરી કરવાનો આદેશ આપ્યો હતો, જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું.
પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ હતા. ૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન મુશર્રફ પાકિસ્તાની સેનાના વડા હતા. ૧૯૯૯ના યુદ્ધમાં પાકિસ્તાનની હાર બાદ મુશર્રફે નવાઝ શરીફ સરકારને ઉથલાવી દીધી હતી. મુશર્રફ ૧૨ ઓક્ટોબર ૧૯૯૯ના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા અને ઓગસ્ટ ૨૦૦૮ સુધી આ પદ પર રહ્યા.બે રાજકીય હત્યાઓમાં પણ પરવેઝ મુશર્રફનું નામ સામે આવ્યું હતું. પહેલું નામ હતું- પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો. અને બીજુ બલૂચ નેતા અકબર બુગતી. બુગતીની હત્યાના કેસમાં ૨૦૧૩માં મુશર્રફની પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ૨૭ ડિસેમ્બર ૨૦૦૮ના રોજ બેનઝીર ભુટ્ટોની એક રેલીમાં હત્યા કરવામાં આવી હતી. મુશર્રફ પર પણ આનો આરોપ હતો.માર્ચ ૨૦૦૭માં, મુશર્રફે એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ વધુ પાંચ વર્ષ રાષ્ટ્રપતિ રહેવા ઈચ્છે છે. પરંતુ વિરોધ તેની સામે આવ્યો. મુશર્રફને રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
૮ સપ્ટેમ્બર, ૨૦૦૭ના રોજ, સુપ્રીમ કોર્ટે મુશર્રફને ચૂંટણી લડવાની મંજૂરી આપી. તેમ છતાં મુશર્રફ સામેનો વિરોધ અટક્તો નહોતો. ૩ નવેમ્બર ૨૦૦૭ના રોજ મુશર્રફે પાકિસ્તાનમાં ઈમરજન્સી જાહેર કરી. તેમણે બંધારણને પણ સસ્પેન્ડ કર્યું અને ચીફ જસ્ટિસને બરતરફ કર્યા. એક મહિના પછી, ૧૫ ડિસેમ્બર ૨૦૦૭ના રોજ, મુશર્રફે કટોકટી હટાવી લીધી. પાકિસ્તાનમાં ફેબ્રુઆરી ૨૦૦૮માં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. નવી સરકારે મુશર્રફને પદ પરથી હટાવવા માટે મહાભિયોગની તૈયારીઓ શરૂ કરી. જો કે, ૧૮ ઓગસ્ટ ૨૦૦૮ના રોજ, મુશર્રફે પોતે પદ પરથી રાજીનામું આપ્યું હતું.
નવાઝ (પીએમએલ એન) ૨૦૧૩ની સામાન્ય ચૂંટણી જીતીને સત્તા પર આવ્યા હતા. નવાઝ શરીફની સરકારે મુશર્રફ વિરુદ્ધ બંધારણનો અનાદર કરવા બદલ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. મુશર્રફ વિરુદ્ધ ડિસેમ્બર ૨૦૧૩માં કેસ નોંધવામાં આવ્યો હતો અને ૩૧ માર્ચ ૨૦૧૪ના રોજ તેમને આરોપી બનાવવામાં આવ્યા હતા. દરમિયાન ૧૮ માર્ચ ૨૦૧૬ના રોજ મુશર્રફ દુબઈ સારવાર માટે ગયા હતા. અને ફરી પાછા પાકિસ્તાન આવ્યા જ નહીં. જોકે તેની સામે કેસ ચાલુ રહ્યો હતો. દરમિયાન ગયા વર્ષે ૫ ફેબ્રુઆરીએ મુશર્રફનું અવસાન થયું હતું.