કોચ્ચી, હવે કેરળમાં દારૂ અને વીજળી મોંઘી થશે અને સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થશે. કેરળ સરકારે બીજા પૂર્ણ બજેટમાં શરાબ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લીટર ૧૦ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પર સેસ લગાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. નાણાં પ્રધાન કેએન બાલગોપાલે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કરતી વખતે આવક અને નફો વધારવા પર વધુ ભાર મૂક્યો હતો.
આ દરમિયાન કેરળના નાણામંત્રીએ ભારતીય બનાવટની વિદેશી દારૂ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ૧૦ રૂપિયા પ્રતિ લિટર વધારો કરવાની જાહેરાત કરી હતી. નાણામંત્રી કેએન બાલગોપાલે જણાવ્યું હતું કે આ વધારાથી રૂ. ૨૦૦ કરોડની વધારાની આવક થવાની ધારણા છે. હકીક્તમાં, કેરળ સરકાર વધુ વિદેશી દારૂના છૂટક લાયસન્સ આપવાનું પણ આયોજન કરી રહી છે.
તમને જણાવી દઈએ કે દારૂના ભાવ અને વીજળીના દરમાં વધારાની સાથે બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. બજેટમાં પોતાની વીજળી જનરેટ કરનારની ડ્યુટી ૧.૨ પૈસાથી વધારીને ૧૫ પૈસા કરવામાં આવી હતી. નાણામંત્રીએ કહ્યું કે આનાથી ૨૪ કરોડ રૂપિયાની વધારાની આવકની અપેક્ષા છે. સાથે જ લીઝ સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોર્ટ સંબંધિત ફીમાં વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય રબરની એમએસપી ૧૦ રૂપિયા વધારીને ૧૮૦ રૂપિયા કરવામાં આવી છે.
પિનરાઈ સરકાર માટે ચોથું બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં કેરળમાં ૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે પરંપરાગત કૃષિ ક્ષેત્ર માટે ૧૬૯૮ કરોડ રૂપિયા અલગ રાખવામાં આવશે. પ્રવાસન ક્ષેત્રમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પ્રવાસન ક્ષેત્ર વધી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આ માટે ૩૫૧ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે.