કેરળમાં આચારસંહિતા ભંગની ૨ લાખથી વધુ ફરિયાદો નોંધાઈ

કોચ્ચી, કેરળના મુખ્ય ચૂંટણી અધિકારી સંજય કૌલે શનિવારે જણાવ્યું હતું કે કેરળમાં અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ ફરિયાદો મળી છે. તેમણે કહ્યું કે કેરળમાં લોક્સભા ચૂંટણી માત્ર ૬ દિવસ દૂર છે, આ દરમિયાન આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈને કુલ ૨,૦૯,૬૬૧ ફરિયાદો મળી છે. જેમાંથી ૨,૦૬,૧૫૨ ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ ફરિયાદો ચૂંટણી પંચ દ્વારા સ્થાપિત મોબાઈલ એપ દ્વારા પ્રાપ્ત થઈ હતી.

ચુંટણી પંચે જણાવ્યું હતું કે, ૧૬ માર્ચથી ૨૦ એપ્રિલ સુધી ફરિયાદો મળી હતી અને હાલમાં ૪૨૬ પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. સીવીઆઇજીઆઇએલ દ્વારા મળેલી મોટાભાગની ફરિયાદો અનધિકૃત પોસ્ટરો, બેનરો, બોર્ડ, વોલ પ્રિન્ટિંગ, ફરજિયાત માહિતી વગરના પોસ્ટરો, મિલક્તની તોડફોડ, અનધિકૃત નાણાંની લેવડદેવડ, પરવાનગી વિના વાહનોનો ઉપયોગ, દારૂનું વિતરણ, ભેટ, શોનું પ્રદર્શન અને નફરત ફેલાવી અને વાણીવિલાસ સાથે સંબંધિત હતી.

પ્રાપ્ત થયેલી કુલ ફરિયાદોમાંથી ૩,૦૮૩ને પાયાવિહોણી ગણાવીને ફગાવી દેવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, જનતા સીવિગિલ (સિટિઝન્સ વિજિલ) એપ્લિકેશન દ્વારા આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદો મોકલી શકે છે. તેમણે કહ્યું કે એપ દ્વારા મોકલવામાં આવેલી ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે ફરિયાદ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.