કેરળ: ગુરુવાયુર મંદિરની મિલક્તમાં ૧૭ અબજ અને ૨૭૧ એકર જમીનથી વધુની બેંક ડિપોઝિટ

કોચ્ચી,

કેરળનું શ્રી પદ્મનાભસ્વામી મંદિર વર્ષો પહેલા ગુપ્ત તિજોરીઓમાં રાખવામાં આવેલી તેની અમૂલ્ય સંપત્તિ માટે પ્રખ્યાત બન્યું હતું. એવી જ રીતે હવે રાજ્યનું વધુ એક મંદિર તેના નામે કરોડોની સંપત્તિના કારણે ચર્ચામાં છે.આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું છે કે પ્રખ્યાત ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિર પાસે ૧,૭૩૭.૦૪ કરોડ રૂપિયાની બેંક થાપણો અને ૨૭૧.૦૫ એકર જમીન છે.

મંદિરમાં સોના, ચાંદી અને કિંમતી પથ્થરોનો વિશાળ સંગ્રહ હોવાનું કહેવાય છે, જે ભક્તો પાસેથી પ્રસાદ તરીકે પ્રાપ્ત થાય છે. મંદિર મેનેજમેન્ટે સુરક્ષા કારણોસર વિગતો અને કિંમત જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.

સદીઓ જૂના આ મંદિરમાં ભગવાન વિષ્ણુને કૃષ્ણના રૂપમાં પૂજવામાં આવે છે. દર વર્ષે આ મંદિરમાં દેશ-વિદેશમાંથી હજારો લોકો આવે છે. ગુરુવાયુરના વતની અને પ્રોપર ચેનલ નામની સંસ્થાના વડા એમ.કે. હરિદાસ વતી દાખલ કરવામાં આવી હતી. જેના જવાબમાં મંદિરની મિલક્તની વિગતો સામે આવી હતી. ગુરુવારે આરટીઆઈના જવાબમાં, મેનેજમેન્ટે જવાબ આપ્યો કે મંદિર પાસે ૨૭૧.૦૫૦૬ એકર જમીન છે, પરંતુ મેનેજમેન્ટ દ્વારા તેની કિંમતનું મૂલ્યાંકન કરવાનું બાકી છે. અન્ય એક પ્રશ્ર્નના જવાબમાં જણાવવામાં આવ્યું કે મંદિરની વિવિધ બેંકોમાં ૧,૭૩૭,૦૪,૯૦,૯૬૧ રૂપિયાની થાપણો છે.

મંદિરના મેનેજમેન્ટે જણાવ્યું કે ૨૦૧૬માં પિનારાઈ વિજયન સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધી તેને કોઈ આર્થિક મદદ મળી નથી.