કેન્યામાં હિંસક પ્રદર્શન વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જારી એડવાઈઝરી કરી

ટેક્સ વધારાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ કેન્યાની સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને તેને આગ ચાંપી દીધી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા પાંચ પ્રદર્શનકારીઓના મોત થયા, જયારે ડઝનેક લોકો ઘાયલ થયા છે. સ્થિતિને જોતા ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે.

કેન્યામાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનને કારણે ભારતે પોતાના નાગરિકોને આફ્રિકન દેશમાં વર્તમાન તંગ પરિસ્થિતિને યાનમાં રાખીને અત્યંત સાવધાની રાખવાની સલાહ આપી છે. કેન્યામાં ભારતીય હાઈ કમિશને એક એડવાઈઝરી પોસ્ટમાં જણાવ્યું કે, પ્રવર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્યામાં તમામ ભારતીયોને અત્યંત સાવધાની રાખવા, બિનજરૂરી અવરજવરને પ્રતિબંધિત કરવા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વિરોધ અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

ભારતીય હાઈ કમિશને કહ્યું કે કેન્યામાં રહેતા ભારતીય નાગરિકોએ અપડેટ્સ માટે સ્થાનિક સમાચાર અને મિશનની વેબસાઈટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સને જોતા રહેવા જોઈએ. ભારત સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. એક સત્તાવાર અનુમાન મુજબ, કેન્યામાં હાલમાં લગભગ ૨૦,૦૦૦ ભારતીયો રહે છે.

વાસ્તવમાં મંગળવારે ટેક્સ વધારાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ કેન્યાની સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો અને તેને આગ ચાંપી દીધી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા પાંચ પ્રદર્શનકારીઓના મોત થયા, જયારે ડઝનેક લોકો ઘાયલ થયા છે. પૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાની સાવકી બહેન નૈરોબી ઓબામા પણ પ્રદર્શનકારીઓમાં સામેલ હતા, જેમના પર પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.પરિસ્થિતિ અંગે કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ કહ્યું કે લોકોની સુરક્ષા અમારી પ્રાથમિક્તા છે. ટેક્સ ડિબેટને ખતરનાક લોકોએ હાઇજેક કરી લીધી. અરાજક્તા પાછળ જે લોકો છે, તેમની ઓળખ કરવામાં આવી રહી છે. અમે આજની રાજદ્રોહની ઘટનાઓ પર ઝડપ પ્રતિક્રિયા જવાબ આપીશું. આપણે ગુનાઓને લોકશાહી અભિવ્યક્તિથી અલગ કરવા પડશે.

જણાવી દઈએ કે કેન્યાની સંસદે ટેક્સ વધારવાનો પ્રસ્તાવ ધરાવતું વિવાદાસ્પદ બિલ પસાર કર્યા બાદ કેન્યાની રાજધાની નૈરોબી અને દેશભરના અન્ય શહેરોમાં હિંસક અથડામણો અને પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ કેન્યાના રાષ્ટ્રપતિ રૂટો પર ૨૦૨૨માં રાષ્ટ્રપતિ બન્યા બાદ જનતા સાથે વિશ્ર્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે રૂટોએ ગરીબોને મદદ કરવાનું વચન આપ્યું હતું. તેમણે ટેક્સ ન વધારવા અને લોનની કિંમતમાં ઘટાડો કરવા માટે સરકારના નવા ફાઇનાન્સ બિલને સંપૂર્ણપણે નકારી કાઢવાની વાત કરી હતી.