કેન્યામાં ભયાનક માર્ગ અકસ્માત, બેકાબૂ ટ્રકે એક પછી એક વાહનોને ટક્કર મારી, ૪૮ના મોત

કેન્યા, કેન્યામાં એક ભયાનક રોડ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ૪૮ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. પશ્ર્ચિમ કેન્યામાં સાંજે આ ભયંકર અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું કે જે જગ્યાએ અકસ્માત થયો તે ખૂબ જ ગીચ વિસ્તાર છે. અહીં એક ટ્રક બેકાબૂ થઈ ગઈ અને અન્ય વાહનો અને રાહદારીઓને કચડી નાખ્યા.

અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં અમે ૪૮ મૃતદેહો બહાર કાઢ્યા છે. ટ્રકની અંદર એક-બે લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનાના ફૂટેજ અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. આમાં, ક્ષતિગ્રસ્ત મીની બસો અને પલટી ગયેલી ટ્રકો સાથે, અન્ય વાહનોના ટુકડાઓ દેખાય છે.

બચાવર્ક્તાઓ વાહનોની અંદર ફસાયેલા લોકોને શોધી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત કેરીચો અને નાકુરુ ટાઉન હાઈવે પર થયો હતો. આ ઘટનામાં ૩૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેઓને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

પ્રાદેશિક પોલીસ કમાન્ડર ટોમ મોબોયા ઓડેરોએ જણાવ્યું કે કેરીચો તરફ જઈ રહેલી ટ્રકે અચાનક નિયંત્રણ ગુમાવ્યું. આ પછી તેણે આઠ વાહનો, અનેક મોટરસાઈકલ, રસ્તાની બાજુમાં ઉભેલા લોકો, ફેરિયાઓ અને અન્ય ધંધા સાથે જોડાયેલા લોકોને કચડી નાખ્યા.

કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટો સહિત અનેક નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટના સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. વાહનવ્યવહાર મંત્રીએ કહ્યું કે બચાવ કામગીરી બાદ અકસ્માતનું કારણ જાણી શકાશે અને તેની તપાસ કરવામાં આવશે.