ગોધરા, કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના 60માં સ્થાપના દિવસની ઉજવણી રૂપે આજે કેન્દ્રીય વિદ્યાલય ગોધરામાં ડાયમંડ જ્યુબિલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન એસ. કે. રાવ, (LDA) વિશેષ અતિથિ અરવિંદ કુમાર, (UBI Bank) ગોધરાના બ્રાન્ચ મેનેજર અને શાળાના આચાર્ય રૂપ કિશોર ચૌધરીએ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સરસ્વતી-વંદના-નૃત્યની મંત્રમુગ્ધ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આચાર્ય ચૌધરીએ મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વર્ષ 2007માં સ્થાપનાથી લઈને આજ દિન સુધી વિદ્યાલય નિરંતર પ્રગતિના પંથે આગળ વધી રહી છે, અને હજુ પણ ઘણી બધી પ્રગતિ કરવાની બાકી છે અને ઉપસ્થિત સૌ મહાનુભાવોને ખાતરી આપી હતી કે આવનારા સમયમાં અમે કેન્દ્રીય વિદ્યાલય ગોધરાપંચમહાલને જીલ્લાની શ્રેષ્ઠ વિદ્યાલયના રૂપમાં સ્થાપિત કરીને ઊંચાઈઓના ઉચ્ચ શિખર પર લાવીશું. તેમણે વાલીગણના સહકાર બદલ આભાર માન્યો હતો.
શાળાના હિન્દી શિક્ષક રાકેશ કુમાર મીણાએ દરેકને કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના દિવસની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સંગીત શિક્ષક ઇન્દ્રમોહન શર્માએ કેન્દ્રીય વિદ્યાલય સંસ્થા વિશે માહિતી પૂરી પાડી હતી. કેન્દ્રીય વિદ્યાલય ગીત ભારતનો સ્વર્ણિમ ગૌરવ કેન્દ્રીય વિદ્યાલય લાવશેની રજૂઆતે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સંસ્કૃત શિક્ષક ડો.બી.આર. મીનાએ તેમના સંબોધનમાં શાળાની પ્રગતિને આગવી રીતે વ્યક્ત કરી હતી. જેમાં સમગ્ર સત્રની શાળાના શૈક્ષણિક, રમત-ગમત અને વિજ્ઞાન તેમજ અન્ય સહઅભ્યાસિક પ્રવૃતિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઈનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેથી વાતાવરણ આનંદથી ભરાઈ ગયું હતું. આમંત્રિત મુખ્ય અતિથિ એસ.કે.રાવે વિદ્યાર્થીઓને નવા લક્ષ્યો નક્કી કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એક કલ્પવૃક્ષ છે. જેની અમે શાખાઓ છીએ અને દરેકને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રેરણા આપી.
અતિથિ વિશેષ અરવિંદ કુમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વ્યક્તિત્વના વિકાસ માટે સંઘર્ષ જરૂરી છે. તેમજ વિદ્યાર્થીઓને દરરોજ કંઈક નવું શીખવાની પ્રેરણા આપી હતી. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન મુખ્યાલય દ્વારા આયોજીત ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશનનું જીવંત પ્રસારણ બાળકોને બતાવવામાં આવ્યું હતું.
શાળામાં કાર્યક્રમના સમાપન પ્રસંગે બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાર્થીઓ ઉર્વા પંડ્યા અને સાક્ષી સુમન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આભારવિધિ શાળાના વરિષ્ઠ શિક્ષિકા ડીમ્પલ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.