કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

  • “પોસ્ટ વિભાગનું વર્ક કલ્ચર બદલાયુ છે, પોસ્ટની સેવાઓ વધુ ઝડપી અને અસરકારક બની છે”- કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ.
  • સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજના અંતર્ગત રૂ.10 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું.
  • ડાક સમુદાય વિકાસ કાર્યક્રમમાં પોસ્ટ વિભાગની વિભિન્ન યોજનાના લાભાર્થીઓને સુક્ધયા સમૃદ્ધિ પાસબુક, પોલીસી સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા.

નડીયાદ, કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ખેડા જીલ્લાના નડિયાદ ખાતે પીપલગ ચોકડી પાસે આવેલ સ્વામીનારાયણ મંદિર પરિસર ખાતે ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જીલ્લાના ધારાસભ્યો સહિત પોસ્ટ વિભાગના અધિકારીઓ અને અગ્રણીઓ જોડાયા હતા.

આ અવસરે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે આજે પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરેલ વિભિન્ન યોજનાઓ, સેવાઓ અને પોસ્ટ બેન્ક સેવાઓથી પોસ્ટ વિભાગનનું વર્ક કલ્ચર બદલાયુ છે. પોસ્ટ વિભાગના 4.5 લાખ કર્મચારીઓ દ્વારા દેશના અંતરિયાળ વિસ્તારો સુધી ટપાલ તારથી લઈને, વીમો, બેન્ક સહિત અન્ય સરકારી યોજનાના લાભ લોકો સુધી પહોચાડીને ભરોસાનું પ્રતિક બન્યા છે. દેશમાં 8.5 કરોડ લોકો ઈન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેન્ક ખાતા ધરાવે છે. જેમાં 50% જેટલા ખાતાધારકો મહિલાઓ છે. ગ્રામિણ પોસ્ટ વીમા યોજના, સુક્ધયા સમૃદ્ધિ યોજના અને મહિલા સેવીંગ સન્માન સર્ટિફીકેટ દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં પોસ્ટ વિભાગ દ્વારા સચોટ કામગીરી કરવામાં આવી છે. સાથે જ પોસ્ટ વિભાગમાં ટેકનોલોજીકલ આધુનિકરણ અને ડીઝીટાઈઝેશન, પ્રાઈવેટ કપંનીઓ સાથે એમઓયુ વગેરે દ્વારા પોસ્ટની સેવાઓ ઝડપી અને અસરકારક બની છે. વધુમાં, પોસ્ટ વિભાગની ભરતી પ્રક્રિયા પણ વધુ પારદર્શી બની હોવાનુ મંત્રીએ જણાવ્યું હતું. ઉપરાતં મંત્રીએ ખેડાના પોસ્ટ વિભાગને ફક્ત 48 દિવસમાં 1 લાખથી વધુ લોકોને અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમો આપવા બદલ અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ઉપસ્થિત ધારાસભ્યઓ દ્વારા સુક્ધયા સમૃદ્ધિ યોજના, મહિલા સમ્માન બચત પ્રમાણપત્રના ખાતેદારોને પ્રોત્સાહિત કરવા પ્રતિકરૂપે પાસબુક તેમજ ટપાલ જીવન વીમા ધારક અને અંત્યોદય સુરક્ષા યોજનાના લાભાર્થીઓને વીમા પોલીસી અને અંત્યોદય સુરક્ષા યોજનાના લાભર્થીને રૂ. 10,00,000/- નાં દાવા પેટે ચેક અર્પણ કરાયા. સાથે જ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત તમામ લોકોને અયોધ્યા રામમંદિરનો પ્રસાદ અને પોસ્ટ વિભાગ દ્વારા અયોધ્યા મંદિર નિર્માણ પ્રસંગે ખાસ બહાર પાડેલ ભગવાન રામની ટીકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વેળાએ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અર્જુનસિંહ ચૌહાણ અને રાજેશ ઝાલા દ્વારા પ્રાસંગિક ઉદ્વબોધન કરી પોસ્ટ વિભાગના કર્મચારીઓને સકારાત્મક અભિગમથી કામગીરી કરવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા. સાથે જ પોસ્ટલ સર્વિસ, ડાયરેક્ટર, ડો. એસ. શીવરામે જણાવ્યુ હતુ કે ડાક સામુદાયિક વિકાસ કાર્યક્રમ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓને પોસ્ટ વિભાગના વિશાળ નેટવર્કની મદદથી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

કાર્યક્રમ સ્થળે ટપાલ વિભાગની તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગની વિભિન્ન સેવાઓ જેવી કે ડાક બચત યોજના, સુક્ધયા સમૃદ્ધિ યોજના, મહિલા સમ્માન બચત પત્ર, ટપાલ જીવન વીમા યોજના, ગ્રામીણ ટપાલ જીવન વીમા યોજના, ફિલાટેલીની પ્રચલિત માય સ્ટેમ્પ સેવા તેમજ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતી વિવિધ યોજનાઑ વિષે નગરજનોને વિવધ સ્ટોલ્સ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા, માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર, જીલ્લા અગ્રણી અજયભાઈ બ્રહ્મભટ્ટ, સાઉથ ગુજરાત રીજનના પોસ્ટ ડીપીએસ એસ. શિવરામ, બીએપીએસ મંદિરના મહંત સર્વમંગલ કોઠારી સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખો, જીલ્લા કલેક્ટર કચેરી અને પંચાયત વિભાગના અધિકારીઓ, પોસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, જીલ્લાના સરપંચઓ, યોજનાકીય લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.