“કમિશન આપો, ટેન્ડર મેળવો” ના ભાજપાના સૂત્રને સાર્થક કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યું. “ચંદા દો… ધંધા લો…” ભાજપાના મોડેલનું સત્ય ઉજાગર કરતા કલોલ નગરપાલિકાના થપ્પડકાંડ અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપા શાસિત કલોલ નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસ કામોના નામે ૧૫ ટકા કમિશનના વિવાદ હોવાનો સ્વિકાર ભાજપાના કારોબારીના અયક્ષે સમૂહ માયમના ઈન્ટરવ્યુમાં કર્યો છે.
કલોલ નગરપાલિકામાં ૭ કરોડના વિકાસ કામમાં થવાના હતા પણ આ વિકાસ કામ સાથે કોનો કોનો વિકાસ થવાનો હતો ? કહેવાતી શિસ્તબધ પાર્ટીના દાવા કરતી ભાજપાનો ગળાડુબ ભ્રષ્ટાચાર, લૂંટના મોડલમાં ભાજપાના જ બે જૂથ વાંધો પડ્યો કે છૂટા હાથની મારામારી અને થપ્પડકાંડની ઘટના બની. જે કહેવાતી શિસ્તબધ પાર્ટીના અસલી ચહેરાને ખુલ્લો પાડી દીધો.
ગાંધીનગર લોક્સભા ક્ષેત્રમાં સમાવેશ થતી કલોલ નગરપાલિકામાં રીટેન્ડરીંગના નામે મોટો ખેલ ચાલી ગયો છે. ભાજપાના જૂથોના હિતના ટકરાવને કારણે ખૂલ્લેઆમ મારામારી ના દ્રશ્યો સમગ્ર ગુજરાતે જોયા. શહેરના વિકાસ થાય કે ન થાય ભાજપાના નેતાઓના વિકાસ પૂરપાટ ગતિએ થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યની ભાજપા શાસિત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વિકાસના નામે મોટા કાંડ અને કૌભાંડનો ભોગ સ્થાનિક નાગરિકો બની રહ્યાં છે.
રાજ્યમાં ભાજપા શાસિત જુદી જુદી નગરપાલિકાઓનો દેવાળીયા વહિવટથી અનેક નગરપાલિકાઓમાં પાણી બિલ અને વિજ બિલ ન ભરવાના કારણે સ્થાનિક નાગરિકો મોટા પાયે પરેશાન થઈ રહ્યાં છે. ગાંધીનગર લોક્સભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના મતક્ષેત્રની ભાજપા શાસિત નગરપાલિકામાં છુટા હાથની મારામારી અને થપ્પડ કાંડ અંગે ભાજપા કેમ મૌન ? ભાજપાના ભ્રષ્ટાચારના ભોરિંગે નિર્દોષ નાગરિકોના ભોગ લીધા. સુરત તક્ષશીલાકાંડ, વડોદરા હરણી બોટ કાંડ, મોરબી ઝુલતા પુલ કાંડ અને રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિકાંડે ભ્રષ્ટાચારમાં ગળાડુબ ભાજપા શાસકોના ભયમુક્ત ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો જેનો ભોગ નિર્દોષ બાળકો અને નાગરિકો બન્યાં.
ગુજરાતમાં વિકાસના મોટા મોટા દાવા કરતી ભાજપા શાસનમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને “કેગ” ઉજાગર કરે અથવા તો નામદાર વડી અદાલત ફટકાર લગાવે તેમ છતાં તંત્ર સુધરવાનું નામ લેતું નથી. રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૫૪ જેટલા નગરપાલિકામાં નળ, ગટર અને રસ્તા હેઠળ પાયાની સુવિધા માટે ટેક્ષ ભરતા શહેરી નાગરિકોએ સતત ફરિયાદો કરે છે પણ, ભાજપા શાસકો જવાબ આપતા નથી.
ભાજપાએ જે રીતે કોઈ પણ વિકાસ કામ માટે કમલમ કમિશનની વ્યવસ્થા ઉભી કરી છે જેને લીધે શહેરી નાગરિકોની મૂળભુત ફરિયાદો પણ યાને લેવામાં આવતી નથી અને એટલે જ અનેક જગ્યાએ ભયમુક્ત ભ્રષ્ટાચારના ભોરીંગથી માનવસજત આપત્તિ સર્જાય છે. જેનો તમામ નાગરિકો ભોગ બની રહ્યાં છે. તાજેતરમાં ભાજપાના ભ્રષ્ટાચારના મોડલથી સમગ્ર વડોદરા વાસીઓ ભોગ બન્યા જે ભાજપા શાસકોના અવ્વલ “વહીવટ-ભ્રષ્ટાચાર” નો વધુ એક નમૂનો છે.
કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે, રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકા, મહાનગરપાલિકા અન્ય સંસ્થાઓમાં વિકાસના નામે કરોડો રૂપિયાના ટેન્ડરો ‘ચંદા દો… ધંધા લો…’ ના સુનિયોજીત લૂંટ મોડલની પારદર્શક તપાસ કરવામાં આવે તો વિકાસ કોનો થયો ? તે ગુજરાત અને ગુજરાતીઓ સમક્ષ ખુલ્લુ પડશે.