કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ. (કેડીસીસી)ના નવનિર્મિત મકાન, સરદાર પટેલ સહકાર ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું

  • કેડીસીસી બેંકના માધ્યમથી જીલ્લાના ખેડૂતો તેમજ દૂધ ઉત્પાદક મંડળીની બહેનોને વિશેષ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની અપીલ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં, ગુજરાત સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિજીવકર્માની અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને નાફેડ ચેરમેન જેઠાભાઈ આહીરની વિશેષ ઉપસ્થિતિમાં બી. એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, નડિયાદ ખાતે ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ની 76મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ. (કેડીસીસી) ના નવનિર્મિત મકાન, સરદાર પટેલ સહકાર ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ કેડીસીસી બેંક દ્વારા જીલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીના ખાતેદારો માટે લોન મેનેજમેન્ટ સિસ્ટમ (એલએમએસ), ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (ડીએમએસ), પેપરલેસ બેન્કિંગ, ટેબલેટ બેન્કિંગ, બેંકની આધુનિક વેબસાઇટ, તથા કસ્ટમર કેર સર્વિસ (સીએસએસ)ની સુવિધાઓનો પણ શુભારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે વર્ચ્યુલ સંબોધન દ્વારા કેડીસીસી બેન્કની બેન્કીંગ ક્ષેત્રે ડિજીટાઈઝેશનની નવી સુવિધાઓ બદલ તમામ ખેડા જીલ્લાવાસીઓને શુભેચ્છાઓ આપી હતી. ગૃહ મંત્રીએ કેડીસીસી બેંકના માધ્યમથી ખાસ કરીને જીલ્લાના ખેડૂતો અને દૂધ ઉત્પાદન મંડળીની બહેનોને વિશેષ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અપીલ કરી હતી.

ગૃહ મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પહેલીવાર સહકારીતા મંત્રાલય શરૂ કરવામાં આવ્યું હતું. જેના લીધે ગુજરાત સહિત ભારત દેશે સહકારી ક્ષેત્રે વિકાસની દિશામાં હરણફાળ ભરી છે. અમિત શાહે કેડીસીસી બેંકની આર્થિક પ્રગતિને નોંધપાત્ર ગણાવી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર થકી જ સહકારી પ્રવૃતિઓને વેગ મળી શકે છે. આ માટે તેમણે સમગ્ર દેશના ખેડૂતોને પોતાના જીલ્લાની ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેન્કમાં ખાતા ખોલાવવા વિનંતી કરી હતી. વધુમાં તેમણે દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી અમૂલ ડેરીની સહકારીતાથી સમૃદ્ધિ તરફની વિકાસયાત્રાની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે રાજ્યમંત્રી જગદીશ વિજીવકર્માએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ પ્રથમ વખત વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા દેશમાં અલગ સહકારિતા મંત્રાલયની સ્થાપનાને લીધે ગુજરાત અને સમગ્ર દેશમાં સહકારી ક્ષેત્રે માળખાકીય સુદ્રઢીકરણને વેગ મળ્યો છે. તેમણે કેડીસીસી બેંક દ્વારા અપનાવેલ બેન્કિંગ ડિજીટાઇઝેશનની સુવિધાઓની કામગીરીને બિરદાવી હતી.

વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને નાફેડ ચેરમેન જેઠાભાઈ આહીરે સહકારથી સમૃદ્ધિ તરફ જવાના લક્ષમાં સૌને ભાગીદાર થઈ કામગીરી કરવા અપીલ કરી હતી.

ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કેડીસીસી બેન્ક સતત પ્રગતિના સોપાન સર કરે અને સહુના સર્વાંગી વિકાસમાં સહભાગી બને તેવો શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કેડીસીસી બેન્ક તેમના હોદ્દેદારોની કોઠાસૂઝ અને વિજીવસનીયતાને લીધે પ્રગતિ કરી રહી છે. વર્તમાન સમયની માંગને લઈ બેન્ક અત્યાધુનિક ટેકનોલોજી બેન્ક અપનાવી રહી છે તે ખૂબ આવકારદાયક બાબત છે.

આ પ્રસંગે કેડીસીસી બેંક ચેરમેન તેજસ પટેલ દ્વારા 76મી વાર્ષિક સાધારણ સભા અંતર્ગત સરવૈયું, ઓડિટ રિપોર્ટ, ડિવિડન્ડ ચુકવણી, માંડવલ રકમ બહાલી, સભાસદ ભેટ, સહિતની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. બેંકના ડિરેકટર ભદ્રેશભાઈ શાહે બેંકની 75 વર્ષની વિકાસરેખાની રૂપરેખા રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ પટેલ, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહીડા, સોજીત્રા ધારાસભ્ય વિપુલ પટેલ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, અગ્રણી અજય બ્રહ્મભટ્ટ, કેડીસીસી બેંક ચેરમેન તેજસ પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, ડિરેક્ટર ભદ્રેશ શાહ, આણંદ જીલ્લા સહકારી સંઘ ચેરમેન રજનીકાંત પટેલ, ખેડા જીલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ, અમૂલ ડેરી ચેરમેન વિપુલ પટેલ, એનસીડીસી ચેરમેન સંજયકુમાર, મહેસાણા સહકારી બેન્ક ચેરમેન વિનોદભાઈ, ખેડા જીલ્લા રજીસ્ટ્રાર સ્તુતિ રાવલ, બી.એ.પી.એસ સંત સર્વ મંગલ સ્વામી, ભગવતચરણ સ્વામી, ગુણાનીધી સ્વામી,આણંદ, પંચમહાલ અને ખેડા જીલ્લાના ડિરેક્ટરઓ, સભાસદો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.