નવીદિલ્હી, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ શનિવારે બપોરે ત્રણ કલાકે પત્રકાર પરિષદ યોજી લોક્સભા ચૂંટણી ૨૦૨૪ની તારીખો જાહેર કરશે. ચૂંટણી પંચે આ માહિતી આપી છે. લોક્સભાની સાથે કેટલીક રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણી પંચ સાત કે આઠ તબક્કામાં લોક્સભાની ચૂંટણીનું આયોજન કરાવી શકે છે. ચૂંટણી પંચ દ્વારા શનિવારે બપોરે ૩ કલાકે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા શનિવારે બપોરે ૩ કલાકે પત્રકાર પરિષદ યોજવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા લોક્સભા ચૂંટણી ૨૦૨૪ સાથે કેટલીક વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવશે. જેમાં ઓડિશા, આંધ્ર પ્રદેશ અને અરૂણાચલની વિધાનસભા ચૂંટણી સામેલ છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનની તારીખની સાથે ચૂંટણી પરિણામની પણ જાહેરાત કરવામાં આવશે.
ચૂંટણી પંચમાં બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હતી. પૂર્વ નોકરશાહ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધૂએ આજે ચૂંટણી કમિશનર તરીકે પોતાનો પદભાર સંભાળી લીધો છે.
એક પ્રવક્તાએ જણાવ્યું કે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધૂનું સ્વાગત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આવા ઐતિહાસિક સમય પર તેમની નિમણૂંકના મહત્વ વિશે વાત કરી કે જ્યારે ચૂંટણી પંચ લોક્સભા ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યું છે. અનૂપ ચંદ્ર પાન્ડે ૧૪ ફેબ્રુઆરીએ નિવૃત્ત થતા અને આઠ માર્ચે અરૂણ ગોયલના અચાનક રાજીનામા બાદ ચૂંટણી પંચમાં બે પદ ખાલી થયા હતા.
છેલ્લે ૨૦૧૯માં લોક્સભા ચૂંટણીની તારીખ ૧૦ માર્ચે જાહેર થઈ હતી. લોક્સભા ચૂંટણી ૨૦૧૯નું આયોજન ૧૧ એપ્રિલથી ૧૯ મે વચ્ચે કરાવવામાં આવ્યું હતું. ૨૦૧૯ની ચૂંટણીમાં ૬૭.૧ ટકા મતદાન થયું હતું. તો ૨૩ મેએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ વખતે લોક્સભા ચૂંટણીમાં આશરે ૯૭ કરોડ લોકો મત આપશે. પંચે દાવો કર્યો છે કે આ વખતે ચૂંટણીમાં કરપ્શન પર પ્રતિબંધ લગાવવા માટે ઘણા પગલા ભરવામાં આવશે.