કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક ઓમ પ્રકાશે ચુંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમો સાથે બેઠકમાં માર્ગદર્શન આપ્યું

મહીસાગર,
ભારતના ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ના જાહેર થયેલા કાર્યક્રમ અન્વયે મહીસાગર જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તારની તા.5મી ડિસેમ્બર, 2022ના રોજ ચૂંટણી યોજાનાર છે. જે સંદર્ભે ભારતના ચૂંટણીપંચ દ્વારા નિમાયેલા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરીક્ષક ઓમ પ્રકાશે મહીસાગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમોના અધિકારીઓ-કર્મચારીઓ સાથે બેઠક યોજી આ ટીમોએ કરવાની થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું. તેની સાથોસાથ ઓમ પ્રકાશે પ્રત્યેક ટીમના વડાઓ સાથે સીધો સંવાદ કરી ચૂંટણીલક્ષી બજાવેલી વિવિધ ફરજો અને જવાબદારીઓની પણ તેમની પાસેથી જાણકારી મેળવી હતી.

કેન્દ્રીય ખર્ચ નિરિક્ષક ઓમ પ્રકાશે મહીસાગર જિલ્લામાં યોજાનારી વિધાનસભા મત વિસ્તારની બેઠકોની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે જોવાનો ખાસ અનુરોધ કરી પ્રત્યેક ટીમોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ કાળજીપૂર્વક નિભાવવા અને જે તે ટીમે તેમની કામગીરીમાં ઝીણવટભરી બાબતોને પણ ધ્યાનમાં લેવાની સાથો-સાથ ચૂંટણી ખર્ચ બાબતે સંકળાયેલી તમામ ટીમોએ એકબીજા સાથે સુસંકલન જળવાઈ રહે તે જોવાની પણ તેમણે ખાસ હિમાયત કરી હતી.

કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક ઓમ પ્રકાશે ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી ઉક્ત તમામ ટીમોને ઉમેદવાર દીઠ નિયત કરાયેલી ખર્ચ મર્યાદા સહિતની જાણકારી સાથે ચૂંટણીલક્ષી ખર્ચ આદર્શ આચારસંહિતા તથા મુક્ત અને ન્યાયી ચુંટણીની બાબતને ખાસ લક્ષમાં લઈ પ્રત્યેક ટીમને તેમની ફરજો ચીવટ પૂર્વક અદા કરવા જણાવ્યું અને પ્રત્યેક ટીમોએ પોતે જે-તે દિવસે કરેલી કામગીરીનો નિયત સમયસુચીમાં ઉપલી કક્ષાએ વાકેફ કરવા જણાવ્યું હતું.

મહિસાગર જિલ્લા પ્રજાજનો, રાજકિય પક્ષો, ઉમેદવારો, તેમના સમર્થકો વગેરેને ચૂંટણી ખર્ચ સંબંધિત કોઇ પણ ફરિયાદ કે સમસ્યા સંદર્ભે ખર્ચ નિરીક્ષક ઓબ્ઝર્વર ઓમ પ્રકાશે મો.9510679554 પર સંપર્ક કરવા જણાવ્યું.