
લેહ,
લદાખના સમાજ સુધારક સોનમ વાંગચુક દેશભરમાં જાણીતા છે. તેમના જીવનથી પ્રેરાઈને જ બોલિવૂડ ફિલ્મ ૩ ઈડીયટ્સ બનાવાઈ હતી જેમાં અભિનેતા આમિર ખાને ફુંગ સૂક વાંગડુનું પાત્ર ભજવ્યું હતું. સોનમ વાંગચુકે તાજેતરમાં વડાપ્રધાન મોદીને લદાખની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા આગ્રહ કર્યો હતો કેમ કે કેટલાક અભ્યાસોમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં લગભગ બે તૃતીયાંશ ગ્લેશિયર વિલુપ્ત થવાની અણીએ પહોંચી ગયા છે તેવી ચેતવણી ઉચ્ચારાઈ હતી.
એક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં સોનમ વાંગચુકે કહ્યું હતું કે જો આ રીતે જ બેદરકારી દાખવવામાં આવતી રહેશે અને લદાખને બચાવવાના પ્રયાસો નહીં કરાય તો અહીંના ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે. જેના લીધે ભારત અને તેના પાડોશી દેશોમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. હાઈવે અને માનવીય પ્રવૃત્તિઓને કારણે ગ્લેશિયર તુલનાત્મક રીતે ઝડપથી પીગળી રહ્યા છે.
તેની સાથે તેમણે કહ્યું કે જો કોઈ યોગ્ય ઉપાયો નહીં કરવામાં આવે તો ઉદ્યોગ, પર્યટન અને વાણિજ્ય લદ્દાખમાં વિક્સતા રહેશે અને તેઓ આ જગ્યાને નષ્ટ કરી દેશે. કાશ્મીર યુનિવસટી અને અન્ય રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના અભ્યાસોમાં તારણ કઢાયા હતા કે લેહ-લદ્દાખમાં ગ્લેશિયર લગભગ ૨/૨ સુધી સમાપ્ત થઈ જશે. કાશ્મીર યુનિવસટીના અભ્યાસમાં પણ જાણ થઈ હતી કે હાઈવે અને માનવીય પ્રવૃત્તિઓને કારણે ગ્લેશિયર તુલનાત્મક રીતે ઝડપથી પીગળી રહ્યા છે.