- દિલ્હીમાં અધિકારીઓની બદલી-પોસ્ટિંગના મુદ્દે કેન્દ્રના વટહુકમને પડકારતી દિલ્હી સરકારની અરજી પર સુનાવણી કરી.
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે દિલ્હીમાં અધિકારીઓની બદલી-પોસ્ટિંગના મુદ્દે કેન્દ્રના વટહુકમને પડકારતી દિલ્હી સરકારની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે દિલ્હી સરકારને તેની અરજીમાં સુધારો કરવા અને ઉપરાજ્યપાલને પણ કેસમાં પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપ્યો છે. સીજેઆઇ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ આ મામલે સુનાવણી કરી છે. ૧૯ મેના રોજ, કેન્દ્ર સરકારે અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ પર એક વટહુકમ બહાર પાડ્યો હતો. વટહુકમમાં, તેમણે ૧૧ મેના સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટાવી દીધો હતો, જેમાં દિલ્હી સરકારને ટ્રાન્સફર-પોસ્ટિંગનો અધિકાર મળ્યો હતો. વટહુકમ અનુસાર, દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ પર અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલ એટલે કે એલજી દ્વારા લેવામાં આવશે. મુખ્યમંત્રીને આમાં કોઈ અધિકાર નહીં હોય. કેજરીવાલ સરકારે ૩૦ જૂને કોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્રના વટહુકમને પડકાર્યો હતો.
આપએ અરજીમાં કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલ વટહુકમ ગેરબંધારણીય છે, જે બંધારણની મૂળ ભાવના અનુસાર નથી. દિલ્હી સરકારે વટહુકમને રદ કરવાની અને તેના પર વચગાળાના સ્ટેની પણ માંગ કરી છે. આ મામલે પહેલી સુનાવણી ૪ જુલાઈએ થઈ હતી, જ્યારે કોર્ટે કેન્દ્ર સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નરને નોટિસ ફટકારી હતી. ૬ જુલાઈના રોજ વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કોર્ટ પાસેથી આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.
૨ જુલાઈના રોજ, મુખ્યમંત્રી કાર્યાલયે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસીસ ઓથોરિટી (એનસીસીએસએ)ની ટીકા કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીના નિર્ણયને પલટાવી રહ્યા છે. નિયમો અનુસાર, એનસીસીએસએ બહુમતીના આધારે તેના નિર્ણયો લેશે.
આ સત્તામાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત બે વ્યક્તિઓ (મુખ્ય સચિવ અને મુખ્ય ગૃહ સચિવ)નો સમાવેશ થાય છે. જેના કારણે તેમને મુખ્યમંત્રીના તમામ નિર્ણયો પલટી નાખવાની સત્તા મળી છે. જોકે, ઉપરાજ્યપાલના સચિવાલયે આ દાવાઓને સદંતર ફગાવી દીધા હતા.
આપ સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે અધિકારોની લડાઈ ૨૦૧૫માં દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચી હતી. હાઈકોર્ટે ઓગસ્ટ ૨૦૧૬માં રાજ્યપાલની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.આપ સરકારે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ૫ સભ્યોની બંધારણીય બેન્ચે જુલાઈ ૨૦૧૬માં આપ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે સીએમ દિલ્હીના કાર્યકારી વડા છે. લેફ્ટનન્ટ ગવર્નર મંત્રી પરિષદની સલાહ અને સહાય વિના સ્વતંત્ર રીતે કાર્ય કરી શક્તા નથી. આ પછી, સેવાઓ એટલે કે અધિકારીઓ પર નિયંત્રણ જેવી કેટલીક બાબતોને સુનાવણી માટે બે સભ્યોની નિયમિત બેન્ચને મોકલવામાં આવી હતી. ચુકાદામાં બંને જજોનો અભિપ્રાય અલગ-અલગ હતો.જજો વચ્ચે મતભેદ થયા બાદ મામલો ૩ સભ્યોની બેંચ પાસે ગયો. તેણે કેન્દ્રની માંગ પર ગયા વર્ષે જુલાઈમાં તેને બંધારણીય બેંચને મોકલ્યો હતો. બંધારણીય બેંચે જાન્યુઆરીમાં પાંચ દિવસ સુધી આ મામલાની સુનાવણી કરી હતી અને ૧૮ જાન્યુઆરીએ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ૧૧ મેના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને અધિકારીઓ પર નિયંત્રણનો અધિકાર આપ્યો હતો. એ પણ કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નર સરકારની સલાહ પર જ કામ કરશે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયના બીજા જ દિવસે (૧૨ મેના રોજ) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સેવા સચિવ આશિષ મોરેને હટાવી દીધા હતા. દિલ્હી સરકારે આરોપ લગાવ્યો હતો કે એલજીએ નિર્ણય પર રોક લગાવી દીધી હતી.સુપ્રીમ કોર્ટના આદેશ છતાં એલજી આવું કરી રહ્યું છે. આ કોર્ટના આદેશનું અપમાન છે. જોકે, બાદમાં એલજીએ ફાઈલ પાસ કરી હતી. કોર્ટના નિર્ણયના ૯ દિવસ બાદ કેન્દ્ર સરકાર વટહુકમ લાવી હતી.જ્યારે સંસદ અથવા વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો તાત્કાલિક જરૂરિયાતોને આધારે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલની પરવાનગી સાથે વટહુકમ બહાર પાડે છે. તેમાં સંસદ/વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદા સમાન સત્તા છે. સંસદ અથવા રાજ્ય વિધાનસભાના આગામી સત્રમાં છ મહિનામાં વટહુકમ ગૃહમાં રજૂ કરવો ફરજિયાત છે. જો ગૃહ તે બિલ પસાર કરે છે, તો તે કાયદો બની જશે. જ્યારે તે નિર્ધારિત સમયમાં ગૃહમાં પસાર ન થાય તો તે સમાપ્ત થઈ જાય છે. જો કે સરકાર એક જ વટહુકમ વારંવાર બહાર પાડી શકે છે.૧૧ મેના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગના મામલામાં કેજરીવાલ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.