કેન્દ્રમાં લાભના બદલામાં લાભ આપવાનું કામ થયુ છે: કપિલ સિબ્બલ

નવીદિલ્હી, રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના પૂર્વ નેતા કપિલ સિબ્બલે ચૂંટણી બોન્ડની માહિતી જાહેર થયા બાદ તેને લઈને પીએમ મોદી પર નિશાન સાયું છે. તેમણે કહ્યું કે, ચૂંટણી બોન્ડની માહિતી પરથી જાણી શકાય છે કે, ક્યાંકને ક્યાંક લાભના બદલામાં લાભ આપવાનું કામ થયુ છે. તેમણે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, કોઈએ કહ્યું હતું કે, ’ન ખાઉંગા ન ખાને દુંગા’. પીએમ મોદીએ ભ્રષ્ટાચાર ખતમ કરવાનું વચન આપતા આ વાત કહી હતી.

ચૂંટણી પંચે ગુરુવારે ચૂંટણી બોન્ડની માહિતી જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરતા ભારતીય સ્ટેટ બેંકે ૧૨ માર્ચના રોજ ચૂંટણી પંચને બોન્ડની વિગતો આપી હતી જેને પછી જાહેર કરવામાં આવી. આ વિગતો જાહેર થતાં જ વિપક્ષી પાર્ટીઓએ નિવેદનો આપવાનું શરૂ કરી દીધુ છે અને કહ્યું કે, ચૂંટણી બોન્ડની વિગતો પરથી જાણી શકાય છે કે, સૌથી વધુ ચૂંટણી ફંડ બીજેપીને મળ્યું છે. સોશિયલ મીડિયા પર પણ ચૂંટણી બોન્ડના સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ઠ પર પોસ્ટ કરતા કહ્યું કે, ચૂંટણી બોન્ડના દાનદાતાઓ લાભના બદલે લાભ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેમણે આગળ પીએમ મોદીનું નામ લીધા વિના કહ્યું કે, એક ક્વિઝ છે – કોણે કહ્યું હતુ: ન તો હું ખાઈશ અને ન ખાવા દઈશ? આ અગાઉ તેમણે ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા અંગે એસબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટ પર માંગવામાં આવેલા એક્સટેન્શન પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે એસબીઆઇએ ટાળવાનો પ્રયાસ કર્યો પરંતુ કોર્ટ મજબૂતીથી ઊભી રહી.

બીજી તરફ કોંગ્રેસે પણ ચૂંટણી બોન્ડ અંગે કહ્યું કે એ સ્પષ્ટ છે કે લાભના બદલામાં લાભ આપવાનું કામ થયુ છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો કે આવી ઘણી કંપનીઓના મામલા સામે આવ્યા છે જ્યાં ચૂંટણી બોન્ડ તરીકે ફંડ આપવામાં આવ્યું અને પછી તરત જ સરકાર તરફથી મોટા લાભો મળ્યા. તેમણે કહ્યું કે ૧,૩૦૦ થી વધુ કંપનીઓ અને વ્યક્તિઓએ ચૂંટણી બોન્ડના રૂપમાં ફંડ આપ્યું છે. જેમાં ૨૦૧૯ થી ભાજપને મળેલા ૬,૦૦૦ કરોડથી વધુ ફંડ સામેલ છે.