કેન્દ્રીય ચૂંટણી પંચ ૨૬ સપ્ટેમ્બરથી ત્રણ દિવસના મહારાષ્ટ્ર પ્રવાસ પર

કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ત્રણ દિવસની મુલાકાત લીધી છે. ચૂંટણી પંચના અધિકારીઓ ૨૬, ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરે મુંબઈની મુલાકાતે જવાના છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં ચૂંટણી અધિકારીઓની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ૨૬ સપ્ટેમ્બરે દિલ્હીથી મુંબઈ માટે રવાના થશે. ૨૭ સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગ્યે રાજ્યના તમામ રાજકીય પક્ષો સાથે બેઠક યોજાશે. બપોરે ૧ વાગ્યે સીઈઓ, નોડલ અધિકારીઓ સાથે પણ બેઠક થશે. આ સિવાય સુરક્ષા અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૩ વાગ્યે અર્ધલશ્કરી દળો, આવકવેરા વિભાગ, ગુપ્તચર એજન્સી,સીબીઆઇ ઇડીના અધિકારીઓની બેઠક યોજાશે. સાંજે ૫ વાગ્યે, મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સહિત વહીવટી અને પોલીસ અધિકારીઓ સાથે કેન્દ્રીય ચૂંટણી અધિકારીઓની બેઠક થશે.

૨૮ સપ્ટેમ્બરે સવારે ૯:૩૦ કલાકે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ રાજ્યના તમામ કલેક્ટર અને પોલીસ અધિક્ષક સાથે બેઠક કરશે. સાંજે ૪ વાગ્યે અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પછી અધિકારીઓ દિલ્હી પરત ફરશે. ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના પરિણામો બાદ મહારાષ્ટ્રની ચૂંટણી જાહેર! રાજ્યમાં ઓક્ટોબરના બીજા સપ્તાહમાં આચારસંહિતા લાગુ થવાની શક્યતા છે.