કેનાલમાં સિંચાઈનું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા

પાલનપુર,ઉનાળો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થતો હોય છે. હાલ જ્યારે ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લાના લાખણી અને થરાદમાં જગતનો તાત પાણી માટે વલખા મારી રહ્યો છે. આ વિસ્તારમાં સુજલામ-સુફલામ કેનાલમાં પાણી માટે ખેડૂતોએ ઢોલ વગાડીને વિરોધ-પ્રદર્શન કર્યું અને મામલતદાર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી.

લાખણી મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા અને કેનાલમાં વધુ પાણી છોડવાની માગ તેમના દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું અને ચાંગ પમ્પિંગ સ્ટેશનમાં વધુ એક મોટર ચાલુ કરવામાં આવે તો થરાદ અને લાખણીના છેવાડાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી રજૂઆત પણ કરી હતી.

ઉનાળાની આકરી ગરમીમાં ખેડૂતોએ વાવેતર કરેલો પાક પાણીના અભાવે બળી જાય તેવી શક્યતા છે. ચાંગા પમ્પિંગ સ્ટેશનમાં ચાર મોટરો થકી કેનાલમાં પાણી છોડવાનું ચાલુ છે. જો તંત્ર દ્વારા વધુ એક મોટરથી પાણી છોડવામાં આવે તો પૂરતું પ્રેશર આવે અને છેવાડાના વિસ્તારોમાં પણ પૂરતું પાણી મળી રહે.

મહત્વનું છે કે સુજલામ સુફલામ કેનાલમાં ૩૦ એપ્રિલ સુધી જ પાણી ચાલુ રહેવાનું છે, ત્યારે ખેડૂતોએ આગામી ૧૫મે સુધી કેનાલમાં પાણી છોડવાની માગણી કરી છે, જો તંત્ર દ્વારા વધુ એક મોટર નહીં લગાવવામાં આવે તો ખેડૂતોએ મામલતદાર કચેરીમાં જ અચોક્કસ મુદતના ધરણાંની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.