કેન વિલિયમસનની કેપ્ટનશીપ વાળી ન્યૂઝીલેન્ડની ટીમ ૨૦૨૪ ટી ૨૦ વર્લ્ડકપના ગૃપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ તરફથી ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. હવે વિલિયમસનને ન્યૂઝીલેન્ડની શ્ર્વેત સુકાની પદ છોડવાનો અને ૨૦૨૪-૨૫ સિઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. જોકે, વિલિયમસનને સ્પષ્ટ કર્યું કે તે ન્યૂઝીલેન્ડ માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ઉપલબ્ધ રહેશે.
આ સિવાય તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ના લેવાને કારણે એવું ના સમજવું જોઈએ કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રસ ગુમાવી રહ્યો છે. તે સંભવિતપણે ભવિષ્યમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સ્વીકારવા તૈયાર છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિલિયમસન ઉનાળામાં વિદેશી લીગ રમવાની તક શોધી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, તે ન્યૂઝીલેન્ડ માટે રમી શકશે નહીં, જેના કારણે તેણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ના લેવાનો નિર્ણય કર્યો. આ સિવાય વિલિયમસને પરિવાર સાથે સમય વિતાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
વિલિયમસને કહ્યું, તમામ ફોર્મેટમાં ટીમને વિકાસ કરવામાં મદદ કરવી એ એવી બાબત છે જેના વિશે હું ખૂબ જ ઉત્સાહી છું અને તેમાં યોગદાન આપવાનું ચાલુ રાખવા માંગુ છું. તેણે ઉમેર્યું, જો કે, ન્યૂઝીલેન્ડના ઉનાળા દરમિયાન વિદેશી તકોનો પીછો કરવાનો અર્થ એ છે કે હું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સુરક્ષિત કરવામાં અસમર્થ હતો.
વિલિયમસને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધી ૧૦૦ ટેસ્ટ, ૧૬૫ વનડે અને ૯૩ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટમાં ૮૭૪૩ રન, વનડેમાં ૬૮૧૦ રન અને ટી૨૦ ઈન્ટરનેશનલમાં ૨૫૭૫ રન બનાવ્યા છે. વિલિયમસને ટેસ્ટમાં ૩૨ અને વનડેમાં ૧૩ સદી ફટકારી છે.