કીવ,રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૪ મહિનાથી ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલય ક્રેમલિન પર ગઈકાલે કરાયેલા ડ્રોન હુમલા બાદ હવે આ યુદ્ધ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ હુમલાથી રશિયા એટલુ નારાજ થઈ ગયું છે કે તેણે યુક્રેનમાં હુમલાઓ ઝડપી કર્યાં છે. યુક્રેનની રાજધાની કિવ, ખેરસન સહિત અનેક શહેરોમાં સતત સાયરનના અવાજ સંભળાઈ રહ્યો છે. હવાઈ હુમલાની ચેતવણી આપવા માટે સાયરન વગાડવામાં આવી રહી છે. લોકોમાં ભયનો માહોલ ઉપરાંત સર્વત્ર અરાજક્તાનો માહોલ સર્જાયો છે.
દરમિયાન, ગુરુવારે સવારથી, કિવ, ઝાપોરિઝ્ઝ્યા અને ઓડેસામાં વિસ્ફોટોના અવાજ સાંભળવામાં આવી રહ્યા છે. વહેલી સવારે, કિવ અને અન્ય શહેરોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર, રશિયન સૈનિકો યુક્રેનની અંદર અને બહાર એલર્ટ મોડમાં છે અને ઘણા શહેરો પર ઝડપી હુમલા કરી રહ્યા છે. ઓડેસાની મિલિટરી એકેડમી પાસે આગ લાગવાના સમાચાર છે. આ સિવાય ખેરસનમાં પણ મોટો હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ૨૧ લોકો માર્યા ગયાના અહેવાલ છે જ્યારે ૪૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
દરમિયાન, એવા સમાચાર છે કે રશિયન આર્મ્સ ફેક્ટરીમાં હથિયાર બનાવવાનું કામ ઝડપી ગતિએ શરૂ થઈ ગયું છે. ન્યુક્લિયર ફોર્સને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ક્રેમલિન હુમલા બાદ રશિયાનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. યુક્રેનના અનેક શહેરોમાં થઈ રહેલા હુમલાના વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં એક પછી એક અનેક વિસ્ફોટો સાંભળી શકાય છે. સંકટમાં પણ મોટા વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે.
તે જ સમયે, રશિયાએ ક્રેમલિન હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું છે અને આરોપ લગાવ્યો છે કે યુક્રેને રશિયન રાષ્ટ્રપતિને મારવા માટે આ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, હુમલા સમયે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝાલેન્સકી ફિનલેન્ડની સરપ્રાઈઝ વિઝિટ પર ગયા હતા.