ક્રેમલિન પર હુમલા બાદ રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિએ ઝેલેન્સ્કીની હત્યાની ધમકી આપી

મોસ્કો,રશિયન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન ક્રેમલિન પર ડ્રોન હુમલા બાદ રશિયા ખૂબ જ નારાજ છે. રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવ યુક્રેનથી એટલા નારાજ છે કે, તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની હત્યાની ધમકી આપી છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને વ્લાદિમીર પુતિનના નજીકના દિમિત્રી મેદવેદેવે કહ્યું કે, આજના આતંકવાદી હુમલા બાદ અમારી પાસે કોઈ વિકલ્પ જ નથી બચ્યો અને હવે ઝેલેન્સકીને મારવા જ પડશે. મેદવેદેવ યુક્રેન યુદ્ધ બાદથી યુક્રેનિયન નેતૃત્વ વિરુદ્ધ ખૂબ જ કડક નિવેદનો આપી રહ્યા છે.

રશિયાએ આરોપ લગાવ્યો હતો કે, યુક્રેને વ્લાદિમીર પુતિનના આવાસ ક્રેમલિન પર ડ્રોન હુમલો કર્યો હતો. જોકે, આ મામલે કોઈ જાનહાનિના સમાચાર નથી. યુક્રેને રશિયાના આરોપોનો ઈનકાર કર્યો છે અને કહ્યું કે, મોસ્કોએ જ આ મામલે ષડયંત્ર ચર્યુ હતું.

ક્રેમલિન પર હુમલા બાદ રશિયાએ નિવેદન જારી કરીને કહ્યું કે, આજે રાત્રે કિવની સરકારે રશિયા ફેડરેશનના રાષ્ટ્રપતિના આવાસ ક્રેમલિન પર ડ્રોન હુમલો કર્યો હતો. બે ડ્રોને ક્રેમલિનને ટાર્ગેટ કરી હુમલો કર્યો હતો. જો કે ડિવાઈસને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યુ હતું. રશિયાએ આરોપ લગાવ્યો હતો કે, હુમલાનો ટાર્ગેટ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હતા.