આમ આદમી પાર્ટી (AAP)એ સોમવારે દિલ્હી માટે પોતાનો ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હી માટે 15 પાર્ટી ગેરંટીની જાહેરાત કરી છે. જેમાં રોજગાર, મહિલા સન્માન, વૃદ્ધોને મફત સારવાર અને મફત પાણીની ગેરંટી જાહેર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે જો દિલ્હીમાં સરકાર બનશે તો લાખો લોકોના પાણીના બિલ માફ કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપનો મેનિફેસ્ટો સાવ નકલી છે.
કેજરીવાલે કહ્યું કે અમે વર્ષ 2020માં કરેલાં ત્રણ વચનો પૂરાં કરી શક્યાં નથી. જે હવે પૂર્ણ કરીશું. જેમાં યમુનાની સફાઈ, યુરોપની જેમ રસ્તાઓ બનાવવા અને 24 કલાક પાણી માટે કામ કરવાનો સમાવેશ થાય છે. કેજરીવાલે કહ્યું કે આજે હું કબૂલ કરું છું કે છેલ્લાં 5 વર્ષમાં હું આ વચનો પૂરાં કરી શક્યો નથી. કોરોના અઢી વર્ષ સુધી ચાલ્યો ત્યારબાદ જેલ-જેલ રમત રમી. મારી આખી ટીમ વિખેરાઈ ગઈ.
તેમણે કહ્યું કે હવે અમે બધા જેલની બહાર છીએ. હું આ ત્રણેય વસ્તુઓ દિલ્હીમાં જોવા માગું છું એ મારું સપનું છે. અમે ત્રણેય કાર્યો આગામી 5 વર્ષમાં પૂર્ણ કરીશું. અમારી પાસે આ માટે ફંડ અને યોજના પણ છે.
કમળનું બટન દબાવશો તો ચારેય બાજુ કાદવ જ કાદવ
કેજરીવાલે કહ્યું- જો કમળનું બટન દબાવી દીધું તો 25 હજાર રૂપિયા દર મહિને વધારે ખર્ચ થશે. આટલી બચત અમારી સરકારના લીધે જ થઈ રહી છે. હું નથી માનતો કે ગરીબ વ્યક્તિ 25 હજાર રૂપિયાનો ભાર ઉઠાવવામાં સક્ષમ છે. અનેક લોકોએ દિલ્હી છોડીને જવું પડશે. વોટિંગમાં કમળનું બટન દબાવશો તો ચારેય બાજુ કાદવ જ કાદવ રહેશે.
ગેરંટીના નામે AAPની રેવડી
1. રોજગાર
કેજરીવાલે કહ્યું કે નસીબથી અમારી પાસે શિક્ષિત ટીમ છે, તેમની જેમ અભણ નથી. રોજગાર દિલ્હીનાં દરેક બાળકોને મળે. આ અંગે પ્લાનિંગ કરી રહ્યા છીએ. દરેક મહિલાને 2100 રૂપિયા દર મહિને મળશે.
2. ફ્રી સારવાર
કેજરીવાલે કહ્યું કે સંજીવની યોજના હેઠળ વૃદ્ધોના સારવારનો ખર્ચ દિલ્હી સરકાર આપશે.
3. પાણી
કેજરીવાલે કહ્યું કે પાણીના ખોટા બિલ આવવાની ફરિયાદ હતી. પહેલાં પાણીનું બિલ ઝીરો હતું. ષડ્યંત્ર કરીને મને જેલ મોકલી દેવામાં આવ્યો. પછી ખબર નહીં કેમ પાણીનું બિલ હજારો રૂપિયા વધી ગયું. જેમનાં ખોટાં બિલ આવ્યાં છે, તેમણે બિલ ભરવાની જરૂર નથી. બિલ માફ કરી દેવામાં આવશે.
4. ગટર કેજરીવાલે કહ્યું કે જ્યારે જેલમાં હતા ત્યારે અનેક જગ્યાએ ગટરમાં સિમેન્ટ અને પથ્થર નાખી દેવામાં આવ્યા જેથી જનતા મારાથી નારાજ થઈ જાય. હવે જ્યાં-જ્યાં ગટર લોક થઈ ગઈ છે, ઓવરફ્લો છે, તેને સરકાર બન્યા પછી 15 દિવસમાં જ ઠીક કરી દઈશું. વર્ષ દોઢ વર્ષમાં જ ગટરની લાઇન ચેન્જ કરી દઈશું.
5. સ્કોલરશિપ
કેજરીવાલે વિદ્યાર્થીઓને ડોક્ટર આંબેડકર સ્કોલરશિપ યોજના હેઠળ સ્કોલરશિપ આપવાની ગેરંટી આપી છે. જેના હેઠળ વિદેશોમાં ભણતરનો ખર્ચ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ફ્રી બસ સુવિધા હશે અને દિલ્હીમાં મેટ્રોમાં 50 ટકાનું કન્સેશન આપવામાં આવશે.
6. પૂજારીગ્રંથિને દર મહિને 18-18 હજાર રૂપિયા
દિલ્હીનાં મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથિઓને દર મહિને 18-18 હજાર રૂપિયા આપવામાં આવશે.
7. વીજળી-પાણીનું બિલ ઝીરો
કેજરીવાલે કહ્યું કે વીજળી-પાણીના બિલ ઝીરો કરી દેવામાં આવશે. અનેક ભાડુઆતોને આનો ફાયદો મળી રહ્યો નથી. એવી સિસ્ટમ લાવીશું કે તેમને ફ્રી વીજળી-પાણીનો લાભ મળશે.
8. રેશનકાર્ડ
દિલ્હીમાં રેશનકાર્ડ સેન્ટર ખોલવામાં આવશે. ગરીબ અહીં જઈને રેશનકાર્ડ બનાવી લેશે.
9. હેલ્થ ઇન્શ્યોરન્સ
ઓટો રિક્ષા, ઈ-રિક્ષાવાળાની દીકરીઓના લગ્ન પર 1 લાખ આપશે. બાળકોને કોચિંગ આપશે, 10 લાખનો લાઇફ ઇન્શ્યોરન્સ અને 5 લાખનો હેલ્થ ઇન્શ્યોરન્સ પરિવાર માટે કરવામાં આવશે.
દિલ્હીની 70 સીટ પર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. આ ચૂંટણીમાં 70 બેઠકો પર કુલ 699 ઉમેદવારો ચૂંટણી લડશે. 20 જાન્યુઆરી નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી.
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, ચૂંટણી માટે 1,522 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નવી દિલ્હી બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ સામે 22 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.