કેજરીવાલે 9 વર્ષ પછી CM હાઉસ છોડ્યું : AAP સાંસદના બંગલામાં શિફ્ટ થયા

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફ્લેગ સ્ટાફ રોડ પર સ્થિત CM હાઉસ ખાલી કરી દીધું છે. તેઓ શુક્રવારે બપોરે લ્યુટિયન્સ દિલ્હીના ફિરોઝશાહ રોડ પરના બંગલા નંબર 5માં શિફ્ટ થયા હતા. આ બંગલો AAPના પંજાબના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને આપવામાં આવ્યો છે.

કેજરીવાલ તેમનાં પત્ની સુનિતા કેજરીવાલ, માતા-પિતા અને બંને બાળક સાથે શિફ્ટ થયાં છે. અશોક મિત્તલ અને તેમનાં પત્નીએ બધાને તેમના ઘરમાં આવકાર્યા. મિત્તલે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું હતું કે કેજરીવાલ મારા ઘરે મહેમાન બનીને શિફ્ટ થયા છે.કેજરીવાલે 17 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે સીએમ આવાસ અને તમામ સરકારી સુવિધાઓ છોડવાની જાહેરાત કરી હતી. AAPએ કહ્યું હતું કે કેજરીવાલ નવા ઘરની શોધમાં છે. તેઓ એવી જગ્યા શોધી રહ્યા છે, જ્યાં રહેવામાં કોઈ વિવાદ ન હોય.

AAPએ આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રીય પાર્ટીના વડા તરીકે કેજરીવાલને આવાસ આપવા માટે કેન્દ્ર સરકાર પાસે માગ કરવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

સીએમ પોતે દિલ્હીમાં બંગલો પસંદ કરે છે, સત્તાવાર નિવાસ નથી દિલ્હીમાં કોઈ સત્તાવાર સીએમ હાઉસ નથી. કેજરીવાલ સીએમ બન્યા એ પહેલાં પણ તેઓ અલગ-અલગ બંગલામાં રહેતા હતા. 1993માં મદનલાલ ખુરાનાને 33 શામનાથ માર્ગ, પછી સાહિબ સિંહ વર્માને 9 શામનાથ માર્ગ અને શિલા દીક્ષિતને પ્રથમ ટર્મમાં AB-17 મથુરા રોડ અને બીજી ટર્મમાં 3 મોતીલાલ નેહરુ માર્ગ બંગલો ફાળવવામાં આવ્યો હતો.

દિલ્હીમાં મુખ્યમંત્રી પોતાની અનુકૂળતા મુજબ બંગલો પસંદ કરે છે. સીએમ પદ છોડ્યા બાદ તેમને પોતાના પૈતૃક, ખાનગી કે ભાડાના મકાનમાં રહેવું પડશે. આ માટે અલગથી આવાસ ભથ્થું આપવામાં આવતું નથી. હાઉસિંગ ભથ્થું દર મહિને આપવામાં આવેલી કુલ રકમમાં સામેલ છે.

કેજરીવાલ સીએમ બનતાં પહેલાં ગાઝિયાબાદમાં રહેતા હતા સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેજરીવાલ હવે માત્ર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને નવી દિલ્હીના ધારાસભ્ય છે. અન્ય રાજ્યોની જેમ દિલ્હી વિધાનસભામાં ધારાસભ્યોને રહેવા માટે બંગલો આપવામાં આવતો નથી તેમજ પૂર્વ સીએમ તરીકે બંગલો આપવાનો પણ નિયમ નથી.

કેજરીવાલ ડિસેમ્બર 2013માં પહેલીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનતાં પહેલાં ગાઝિયાબાદના કૌશામ્બી વિસ્તારમાં રહેતા હતા. મુખ્યમંત્રી તરીકે તેઓ મધ્ય દિલ્હીમાં તિલક લેનમાં સ્થિત મકાનમાં રહેતા હતા. ફેબ્રુઆરી 2015માં જ્યારે આમ આદમી પાર્ટીને બહુમતી મળી ત્યારે તેઓ ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં 6, ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત આવાસમાં રહેવા ગયા.