નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં જામીન પર છૂટેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જામીનની મુદત વધારવાની અરજી પર વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું કે ગયા અઠવાડિયે જસ્ટિસ દત્તાની બેન્ચ જ્યારે બેઠી હતી ત્યારે અરજી કેમ દાખલ કરવામાં આવી ન હતી. દિલ્હીના સીએમએ સ્વાસ્થ્યના કારણોસર તેમની જામીનની મુદત સાત દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી હતી, જેને કોર્ટે નકારી કાઢી હતી.
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ઈડીએ ૨૧ માર્ચે સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલે ધરપકડ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે કેજરીવાલને રાહત આપવાનો ઈક્ધાર કરી દીધો હતો. આ પછી કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ૧૦ મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ૧ જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો હતો. લોક્સભા ચૂંટણીના પ્રચાર માટે કેજરીવાલને જામીન આપતાં કોર્ટે કેટલીક શરતો પણ લાદી હતી અને કહ્યું હતું કે કેજરીવાલને ૧ જૂને જેલમાં પાછા ફરવું પડશે. જો કે હવે કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના જામીન વધુ સાત દિવસ લંબાવવાની માંગ કરી છે. કેજરીવાલે અરજીમાં કહ્યું છે કે તેમને કેટલાક સ્વાસ્થ્ય તપાસ કરાવવી પડશે, જેમાં પીઈટી અને સીટી સ્કેન વગેરેનો સમાવેશ થાય છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કેજરીવાલને વચગાળાના જામીન આપતાં કહ્યું હતું કે ચૂંટાયેલા મુખ્યમંત્રી સમાજ માટે ખતરો નથી. કોર્ટે એમ પણ કહ્યું કે ઈડી છેલ્લા દોઢ વર્ષથી દિલ્હી લિકર પોલિસી કૌભાંડની તપાસ કરી રહી છે, પરંતુ કેજરીવાલની સામાન્ય ચૂંટણીની જાહેરાત પછી જ ધરપકડ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, કોર્ટે ચૂંટણી પ્રચાર માટે દિલ્હીના સીએમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો.