કેજરીવાલની ૨ નવેમ્બરે ધરપકડ થઈ શકે છે,આ પછી ઝારખંડ, કેરળ અને તમિલનાડુના મુખ્યમંત્રીનો નંબર આવશે, તેજસ્વી યાદવ પણ લાઇનમાં

  • પરાજયની આશંકાને લઇ કેન્દ્ર આપના વરિષ્ઠ નેતાઓને એક પછી એક જેલમાં ધકેલી રહ્યા છે,મંત્રી આતિશી

નવીદિલ્હી, દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલની ૨ નવેમ્બરે ધરપકડ થઈ શકે છે. ઈડીએ લિકર પોલિસી કેસમાં ૨ નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે.આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- ભાજપ અને વડાપ્રધાન મોદી જાણે છે કે તેઓ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ને હરાવી શકશે નહીં. એટલા માટે કેન્દ્ર આપના વરિષ્ઠ નેતાઓને એક પછી એક જેલમાં ધકેલી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે કેજરીવાલ બાદ ભારત ગઠબંધનના અન્ય નેતાઓની પણ ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ ઝારખંડના સીએમ હેમંત સોરેન છે. તે પછી બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ ક્તારમાં છે. કેરળના સીએમ પિનરાઈ વિજયન અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનની પણ ધરપકડ કરવામાં આવશે.

સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવ્યા બાદ કેજરીવાલે કહ્યું હતું કે તેમણે સીબીઆઈ દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્ર્નોના જવાબ આપ્યા. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. આ સમગ્ર કથિત દારૂનું કૌભાંડ ખોટું અને ગંદી રાજનીતિથી પ્રેરિત છે. આપ એક કટ્ટર પ્રમાણિક પક્ષ છે. તેમણે લગભગ ૫૬ પ્રશ્ર્નો પૂછ્યા.તેમણે કહ્યું હતું કે અમે મરી જઇશું પણ અમારી પ્રામાણિક્તા સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ. તેઓ આપને ખતમ કરવા માગે છે પરંતુ દેશની જનતા અમારી સાથે છે.

એ યાદ રહે કે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ૨૪૧ દિવસથી જેલમાં છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ૧૭ ઓક્ટોબરે તેમની જામીન અરજી પર સુનાવણી કરતાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આપ નેતા મનીષ સિસોદિયા પર દિલ્હીની દારૂની નીતિમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો આરોપ છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચમાં આ કેસની સુનાવણી થઈ હતી.કોર્ટે તપાસ એજન્સીઓને ૬ થી ૮ મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો વિલંબ થશે તો સિસોદિયા ફરીથી જામીન માટે અપીલ કરી શકે છે.જામીન અરજીની સુનાવણી દરમિયાન, તપાસ એજન્સીઓ વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ અને મનીષ સિસોદિયા વતી એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલો રજૂ કરી હતી.

૧૭ ઓક્ટોબરે થયેલી સુનાવણી દરમિયાન સિંઘવીએ કહ્યું હતું કે સિસોદિયા વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને તેમનો કૌભાંડ સાથે કોઈ સંબંધ નથી, તો પછી તેમને આરોપી કેમ બનાવવામાં આવ્યા. તેના પર કોર્ટે કહ્યું કે ઈડ્ઢ એવું નથી કહી રહ્યું કે પૈસા તમારી પાસે આવ્યા છે. તેના બદલે તે કહે છે કે સિસોદિયાની સંડોવણીને કારણે કૌભાંડના પૈસા અહીં-ત્યાં ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

ઈડીએ આપ સાંસદ સંજય સિંહની પણ એક્સાઇઝ પોલિસી કેસમાં ૪ ઓક્ટોબરે ધરપકડ કરી હતી. ઈડીની ટીમ સવારે ૭ વાગે તેમના દિલ્હીના ઘરે પહોંચી હતી. ૧૦ કલાક સુધી ચાલેલા દરોડા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસે ૫ ઓક્ટોબરે તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે તેમને ૧૦ ઓક્ટોબર સુધીના રિમાન્ડ પર મોકલી આપ્યા હતા.