કેજરીવાલને સીએમ પદ પરથી હટાવવાની અરજી સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી

નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગણી કરતી અરજીને ફગાવી દીધી છે.સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કેજરીવાલને સીએમ પદ છોડવા માટે કહેવાનો તેને કોઈ કાનૂની અધિકાર નથી.

આ પહેલા ૨૮ માર્ચે હાઈકોર્ટે સુરજીત સિંહ યાદવ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ફગાવી દીધી હતી. ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે આ મુદ્દાની તપાસ કરવાનું કાર્ય કારોબારી અને રાષ્ટ્રપતિનું છે અને કોર્ટ તેમાં દખલ ન કરી શકે. ત્યારબાદ, ૪ એપ્રિલે, કોર્ટે હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી બીજી પીઆઇએલ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તે કેજરીવાલનો વ્યક્તિગત નિર્ણય હશે કે તેઓ મુખ્યમંત્રી રહેશે કે નહીં. બેન્ચે ટિપ્પણી કરી હતી કે કેટલીકવાર વ્યક્તિગત હિતને રાષ્ટ્રીય હિતને આધીન કરવું પડે છે પરંતુ આ તેમનો (કેજરીવાલનો) વ્યક્તિગત નિર્ણય છે. ત્રીજી અરજી સંદીપ કુમાર દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલ અસમર્થ હોવા છતાં પણ દિલ્હીના મુખ્યમંત્રી પદ પર છે, જે ન માત્ર અનેક બંધારણીય ગૂંચવણોને જન્મ આપે છે પરંતુ લોકોના જીવનના અધિકારનું પણ ઉલ્લંઘન કરે છે . આના પર દિલ્હી હાઈકોર્ટે અરજદાર, AAP ના પૂર્વ ધારાસભ્ય સંદીપ કુમારને ઠપકો આપતા અરજીને ફગાવી દીધી હતી. આ ઉપરાંત કોર્ટે અરજદાર પર ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. અદાલતે કડક સૂરમાં ચેતવણી આપી હતી કે ન્યાયિક વ્યવસ્થાની મજાક ન ઉડાવો.

દિલ્હી હાઈકોર્ટે અરજદારને પૂછ્યું હતું કે શું એવો કોઈ આદેશ છે જેમાં હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટે કોઈપણ સીએમને હટાવવાનો નિર્દેશ આપ્યો હોય. બેન્ચે કહ્યું હતું કે, ’તમે અરજી દાખલ કરીને કોર્ટનો સમય બગાડો છો. અમે તમારા પર ભારે દંડ લાદી રહ્યા છીએ. કોર્ટની અંદર રાજકીય ભાષણ ન આપો, ભાષણ આપવા શેરીના કોઈ ખૂણે જાઓ.કોર્ટે કહ્યું હતું કે તમારી અરજી કરનારા રાજકીય વ્યક્તિઓ હશે, પરંતુ કોર્ટ રાજકીય મહત્વાકાંક્ષાના આધારે કાર્યવાહી કરતી નથી.