દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઇએ દારૂ કૌભાંડ મામલે ધરપકડ કરી છે. આ મામલે હવે સીએમ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કેજરીવાલની ધરપકડને સરમુખત્યારશાહી ગણાવી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આખી સિસ્ટમ એ જ પ્રયત્નમાં વ્યસ્ત છે કે કેજરીવાલ જેલની બહાર ન આવી જાય. આ કાયદો નથી. આ સરમુખત્યારશાહી છે, ઈમરજન્સી છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીએ કહ્યુ કે, જ્યારે કેજરીવાલને મની લોન્ડરિંગ મામલે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની સંભાવના હતી તો ભાજપ ડરી ગઈ અને તેણે CBI દ્વારા ખોટા કેસમાં ધરપકડ કરાવી લીધી.
સીબીઆઇએ બુધવારે કથિત દારૂ કૌભાંડમાં કેજરીવાલની ઔપચારિક રીતે ધરપકડ કરી અને ભ્રષ્ટાચાર મામલે આપના રાષ્ટ્રીય સંયોજકની કસ્ટડી માગી હતી.
સુનીતા કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ કરીને કહ્યું કે મારા પતિને એક્સાઈઝ પોલિસી સાથે સબંધિત મની લોન્ડરિંગ મામલે ૨૦ જૂનના રોજ જામીન મળી ગયા હતા અને ઈડ્ઢએ તુરંત સ્ટે લઈ લીધો. બીજા જ દિવસે CBI એ તેમને આરોપી બનાવી દીધા આજે તેમની ધરપકડ કર લેવામાં આવી. આખી સિસ્ટમ એ પ્રયત્નમાં છે કે, કેજરીવાલ જેલમાંથી બહાર ન આવે. આ સરમુખત્યારશાહી છે, આ ઈમરજન્સી છે.
આમ આદમી પાર્ટીએ પણ કેજરીવાલની ધરપકડની નિંદા કરી છે અને કહ્યું કે, તાનાશાહે ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી છે. આજે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળવાની પૂરી સંભાવના હતી ત્યારે ભાજપ ગભરાઈ ગયું અને કેજરીવાલની CBI દ્વારા ખોટા કેસમાં ધરપકડ કરાવી દીધી. CBI કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ ગઈ ત્યાં તેમનું બ્લડ સુગર લેવલ ખૂબ ઘટી ગયું. સરમુખત્યારશાહ ભલે ગમે એટલો જુલ્મ કરો પરંતુ કેજરીવાલ ના ઝૂકશે, ના તૂટશે.
સીબીઆઇએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઔપચારિક રીતે ધરપકડ કરી લીધી અને તેમની પાંચ દિવસની કસ્ટડી માગી હતી. સ્પેશિયલ જજ અમિતાભ રાવતે કસ્ટડી અરજી પર આદેશ રિઝર્વ રાખ્યો છે. કોર્ટ સમક્ષ પોતાની રજૂઆતમાં કેજરીવાલે આ કેસમાં પોતાની નિર્દોષતાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે તેમના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટી બંને નિર્દોષ છે.