કેજરીવાલ સરકારે એલજીની ફરિયાદ સુપ્રીમ કોર્ટને કરી ,દિલ્હીમાં એક સમાંતર સિસ્ટમ ચલાવી રહ્યા છે


એફિડેવિટમાં કેજરીવાલ સરકારે કહ્યું હતું કે રાજધાનીમાં એલજીએ સરકારને પાટા પરથી ઉતારી દીધી છે.
નવીદિલ્હી,
દિલ્હીના એલજી વી.કે. સક્સેના અને આપ સરકાર વચ્ચેની લડાઈ અટકવાના બદલે વધી રહી છે. અરવિદં કેજરીવાલના નેતૃત્વ હેઠળની સરકારે હવે સુપ્રીમ કોર્ટમાં એલજીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એલજી સરકારના કામમાં દખલ કરી રહ્યા છે અને ચૂંટાયેલી સરકાર વિરૂદ્ધ બ્યુરોકેટ્સને ભડકાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલી એફિડેવિટમાં કેજરીવાલ સરકારે કહ્યું હતું કે રાજધાનીમાં એલજીએ સરકારને પાટા પરથી ઉતારી દીધી છે.

તેમણે એફિડેવિટમાં વધુમાં જણાવાયું હતું કે,એલજી ચૂંટાયેલી સરકારની સત્તાઓ જાતે લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક સમાંતર સિસ્ટમ ચલાવી રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્ર વિરૂદ્ધ દિલ્હી સરકારની લડાઈમાં બંધારણીય બેન્ચ સમક્ષ ૨ અલગ-અલગ એફિડેવિટ દાખલ કર્યા છે. સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે એલજી સતત દિલ્હી સરકારની સત્તા છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.એલજીની ઓફિસ તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ સંદર્ભમાં મનીષ સિસોદિયાએ બે અલગ-અલગ કેસમાં એફિડેવિટ આપી છે. પ્રથમ કેસ કેન્દ્ર અને દિલ્હી સરકાર તથા કેન્દ્ર સરકાર વચ્ચે બ્યુરોક્રેટસ પર નિયંત્રણ અંગે ચાલી રહેલી ખેંચતાણ માટે છે. ત્યારે બીજો કેસ એલજીના હાથમાં દિલ્હીનો વહીવટ સાથે સંબંધિત છે. દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ શાસન અધિનિયમ, ૨૦૨૧માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે દિલ્હી સરકારની કેબિનેટ દ્વારા લેવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પર સરકારે એલજીનો અભિપ્રાય લેવો જરૂરી છે.

સીજેઆઇ ડી.વાય. ચંદ્રચુડ બન્ને કેસો પર એક્સાથે સુનાવણી કરી રહ્યા છે. આ કેસોની સુનાવણી ૨૪ નવેમ્બરના રોજ થશે. દિલ્હી સરકાર દ્વારા એપ્રિલમાં દાખલ કરવામાં આવેલી આ અરજી પર કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, આપ સરકાર કામકાજમાં અવરોધ ઉભો કરી રહી છે અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે એલજીને અંધારામાં રાખી રહી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં એવું અનેક વખત બન્યું છે કે જ્યારે દિલ્હીના એલજી વી.કે. સક્સેના અને દિલ્હી સરકાર વચ્ચે ખેંચતાણ જોવા મળી હોય. એલજીએ જ એક્સાઈઝ કૌભાંડની સીબીઆઇ તપાસની ભલામણ કરી હતી ત્યારે આપએ આ ભ્રષ્ટાચારમાં પોતાની કોઈ પણ પ્રકારની ભૂમિકા હોવાનો ઈનકાર કર્યો હતો. દિલ્હી સરકાર પર બસ કોન્ટ્રાક્ટમાં પણ ગેરરીતિ કરવાનો આરોપ લાગ્યો હતો. આ સિવાય વર્ગખંડોના નિર્માણ અંગે પણ દિલ્હી સરકાર પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

મનીષ સિસોદિયાએ જે એફિડેવિટ દાખલ કરી છે તેમાં ન્ય્ અંગે કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં હવે શાસન કરવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. આ વર્ષે મેં મહિનામાં નવા રાજ્યપાલે કાર્યભાર સંભાળ્યો ત્યારથી દિલ્હીમાં શાસન કરવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. દિલ્હી સરકારના રોજિંદા કાર્યો પર અસર પડી રહી છે કારણ કે કેન્દ્ર સરકાર બ્યુરોક્રેટ્સને નિયંત્રિત કરી રહી છે. તેથી અહીંના ઓફિસરો ચૂંટાયેલી પ્રતિનિધિઓનું સાંભળતા નથી. કહેવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીઓ મીટિંગોમાં હાજરી આપતા નથી અને મંત્રીઓના આદેશ પણ માનતા નથી.