કેદીને માફી આપીને સમય પહેલા મુક્ત કરવાનો ઇનકાર કરવો એ કેદીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે : સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી, દોષિતોની સમય પહેલા જેલમુક્તિને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્વના નિર્ણયમાં કેદીઓ માટે કહ્યું છે કે જેલમાં સુધારો કરનાર કેદીને રાખવાથી શું મળશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેદીઓને તેમની સજામાં માફી આપીને સમય પહેલા મુક્ત કરવાનો ઇનકાર કરવો એ કેદીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આનાથી કેદીઓમાં નિરાશાની લાગણી પણ પેદા થાય છે.

માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને લગભગ ૨૬ વર્ષથી જેલમાં બંધ કેદીને મુક્ત કરવાનો આદેશ આપતાં આ ટિપ્પણી કરી હતી. કેરળમાં ૧૯૯૮માં એક મહિલાની લૂંટ અને હત્યાના આરોપમાં જેલમાં બંધ ૬૫ વર્ષીય જોસેફની અરજીનો નિકાલ કરતી વખતે કોર્ટ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો હતો. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું કે સજાની માફી અને અકાળે મુક્તિ આપવાનો ઇનકાર કરવો એ બંધારણના ‘સમાનતાના અધિકાર’ અને ‘જીવનના અધિકાર’ હેઠળ સંરક્ષિત મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

આ સાથે, બેન્ચે એવા કેદીઓના પુનર્વસન અને સુધારણા પર વિચાર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે જેઓ જેલના સળિયા પાછળ તેમના વર્ષો દરમિયાન મોટા પ્રમાણમાં બદલાઈ ગયા હશે. ખંડપીઠે કહ્યું કે લાંબા સમયથી જેલમાં રહેલા કેદીઓને અકાળે મુક્તિની રાહતનો ઇનકાર કરવો એ માત્ર તેમની ભાવનાને કચડી નાખે છે પરંતુ તે સમાજના કઠોર અને અક્ષમ્ય સંકલ્પને પણ પ્રતિબિંબિત કરે છે.

પેનલે કહ્યું કે એવું લાગે છે કે સારા આચરણ માટે કેદીને રૂપાંતરિત કરવાનો વિચાર સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યો છે. જસ્ટિસ ભટ્ટે કહ્યું કે આ મામલો દયા અરજીના પુન:મૂલ્યાંકન અને લાંબા સમયથી જેલમાં રહેલા કેદીઓની સારવાર સાથે સંબંધિત છે. સજાની નૈતિક્તા હોવા છતાં, કોઈ તેની વાજબીતા પર પ્રશ્ર્ન કરી શકે છે.