દહેરાદૂન, ઉતરાખંડમાં ૧૦ મેથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને કેદારનાથ હેલિકોપ્ટર સેવાના બુકીંગને લઈને જબરદસ્ત ઉત્સવ જોવા મળ્યો છે. કેદારનાથ હવાઈ સેવા માટે ૨૦ જૂન સુધીનું બુકીંગ ફુલ થઈ ગયું છે.અમુક કલાકોમાં જ ૧૦ મે થી ૨૦ જૂન સુધીની બધી જ ટિકીટો બુક થઈ ચૂકી છે. આ બુકીંગ આઈઆરસીટીસીની વેબસાઈટના માધ્યમની શરૂ થયું છે. શનિવારે જ બુકીંગ સવસ ખોલવામાં આવી હતી. હવે ચોમાસાની સીઝનને બાદ કરતા ઉતરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ ઓથોરિટીએ સપ્ટેમ્બર-ઓકટોબરની હેલી સેવાઓના બુકીંગ માટે પણ વિન્ડો ખોલી દીધી છે જેથી ચારધામ માટે આવનારા લોકોને સુવિધા મળી શકે.
જો રાજયવાર બુકીંગના આંકડા જોઈએ તો તેમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. અહીથી આવતા શ્રદ્ધાળુઓએ ૧૯૦૪ બુકીંગ કરાવ્યા છે. એ પછી ઉતરપ્રદેશના ૮૭૮, ગુજરાતના ૮૩૭, દિલ્હીના ૭૯૩, તેલંગાણાના ૬૭૯, મયપ્રદેશના ૪૩૭, આંધ્રપ્રદેશના ૪૦૫, પશ્ર્ચિમ બંગાળના ૩૯૧, રાજસ્થાનના ૩૨૮, હરિયાણાના ૨૫૧, અરુણાચલ પ્રદેશના ૨૩૮, ઉપરાંત દાદરાનગર હવેલી અને દીવ દમણના ચાર અને મણીપુરના એક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૮ બુકીંગ કેટલાક કલાકમાં થઈ ગયા હતા.