કેદારનાથ-બદ્રીનાથ ચાર ધામ પર ‘બિપરજોય’ની અસર પડશે : હવામાન વિભાગ

દહેરાદુન, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત બિપરજોય ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. કેદારનાથ-બદ્રીનાથ, ગંગોત્રી સહિત ચારેય ધામોમાં બિપરજોયની અસર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં યાત્રા રૂટ પર જતા યાત્રિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉત્તરાખંડના મેદાની વિસ્તારો સહિત પહાડી શહેરો ગરમીથી તરબોળ છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, બિપરજોય ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. તેની અસર ૧૮ અને ૧૯ જૂને ઉત્તરાખંડમાં પણ જોવા મળશે. આવી સ્થિતિમાં હવે ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા પર જતા તીર્થયાત્રીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ કેદારનાથ-બદ્રીનાથ, ગંગોત્રી સહિતના ચાર ધામોની મુલાકાત લેતા પહેલા હવામાનની અપડેટ્સ લે.

આ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરકાશી, ટિહરી, દેહરાદૂન, પૌરી, હરિદ્વાર, યુએસનગર, નૈનીતાલ જિલ્લામાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે કરા પડવાની સંભાવના છે. વાવાઝોડાની અસરને કારણે ૭૦-૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

અરબી સમુદ્રમાંથી ઉછળેલા ચક્રવાત બિપરજોયએ દેશના અનેક રાજ્યોમાં પોતાની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. હવે તોફાનની અસર ઉત્તરાખંડમાં પણ જોવા મળી શકે છે. હવામાન કેન્દ્ર દેહરાદૂનના ડાયરેક્ટર ડૉ.બિક્રમ સિંહે જણાવ્યું કે ૧૮ અને ૧૯ જૂને ચક્રવાત બિપરજોયની અસર રાજ્યમાં પણ જોવા મળશે. ભારે પવન સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. તેની અસર પર્વતીય વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે. ચક્રવાતને કારણે તાપમાનમાં ૮-૧૦ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જો હવામાન સામાન્ય બને તો તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. આ સાથે વાવાઝોડાના કારણે પાકને નુક્સાન થવાની આશંકા છે.

હવામાન કેન્દ્ર દહેરાદૂનના ડાયરેક્ટર બિક્રમ સિંહે ચારધામ યાત્રાના રૂટ પર જતા મુસાફરોને યાત્રા પર જતા પહેલા હવામાનના અપડેટ્સ લેવાની અપીલ કરી છે. ઉત્તરાખંડમાં બગડતા હવામાનને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એમપી, ગુજરાત, દિલ્હી-એનસીઆર, યુપી સહિત દેશના અનેક રાજ્યોમાંથી તીર્થયાત્રીઓ ચારધામના દર્શન કરવા ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. એટલા માટે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં જતા પહેલા હવામાનની અપડેટ અવશ્ય તપાસો.

આ દિવસોમાં મેદાની વિસ્તારોમાં વાતાવરણ ભેજવાળું બન્યું છે. વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. ગુરુવારે રાજ્યમાં પશ્ર્ચિમી ગરમ પવનની અસર જોવા મળી હતી. ગરમી લાગી. બીજી તરફ, કુમાઉના મેદાની જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ૪૦ અને લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી હતું. તે જ સમયે, દિવસભર ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળિયા પવનો ફૂંકાયા હતા.