કાયમી ભરતીની માગ સાથે હજારો ટીઇટી ટીએટી પાસ ઉમેદવારોએ સચિવાલય ખાતે આંદોલન કર્યું

રાજ્યની સરકારી- ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. જેમા કાયમી ધોરણે ભરતી કરવાને બદલે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના લાગુ કરી ૧૧ મહિનાની કરાર આધારીત ભરતી કરતા ટીઇટી ટીએટી ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્ઞાન સહાયક યોજનાની કરાર આધારિત ભરતીના વિરોધમાં હજારો ઉમેદવારોએ ગાંધીનગરમાં સચિવાલય ખાતે મહાઆંદોલનના મંડાણ કર્યા છે.

આજે મોટી સંખ્યામાં હજારો ઉમેદવારોએ સચિવાલય ખાતે કાયમી ભરતીની માગ સાથે પહોંચ્યા હતા. હજારો ઉમેદવારોને જોતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયુ હત. ઉમેદવારોના સમર્થનમાં આવેલા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતનાની અટકાયત કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી કાયમી ભરતીની માગ સાથે શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. વિદ્યાસહાયકો અને શિક્ષક સહાયકો કેટલાય સમયથી માગ કરી રહ્યા છે. શિક્ષકો કાયમી ભરતી માટે શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરી ચુક્યા છે. કેટલાક ઉમેદવારોની વયમર્યાદા પણ પુરી થઈ ગઈ છતા ભરતી ન થઈ હોવાના આક્ષેપ પણ કરાઈ રહ્યા છે. ત્યારે ઉમેદવારોની વયમર્યાદામાં પણ છૂટછાટ આપવાની માગ કરાઈ છે. આગામી સમયમાં સરકાર માગ નહીં સ્વીકારે અને કરાર આધારીત ભરતી રદ કરી કાયમી ભરતીની જાહેરાત નહીં કરે તો આક્રોશ સાથે રેલી કાઢવાની અને ઉગ્ર લડત આપવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

રાજ્યની સરકારી- ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડી માયમિક ઉચ્ચતર માયમિક સ્કૂલોમાં સરકારે જ્ઞાન સહાયકોની યોજના અમલમાં મુકી છે. કાયમી શિક્ષક બનવા માટે ઉમેદવારોએ ટીઇટી ટીએટી પરીક્ષા પાસ કર્યા બાદ પણ માત્ર ૧૧ મહિના માટે કરાર આધારીત નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકમાં હજારો ઉમેદવારો નિમણૂક બાદ હાજર થયા ન હતા. પરિણામે શિક્ષકોની જગ્યા મોટી સંખ્યામાં ખાલી પડી છે. આ વર્ષે પણ સરકાર કરાર આધારીત જ્ઞાન સહાયકોની ભરતી કરવા જઈ રહી છે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ છે.