
નવીદિલ્હી,
કેન્દ્ર સરકારે દેશમાં સમાન નાગરિક આચારસંહિતા (કોમન સિવિલ કોડ) લાગુ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુએ રાજ્યસભામાં આ જાણકારી આપી.તેમણે ગૃહને જણાવ્યું હતું કે કેન્દ્રએ દેશમાં સમાન નાગરિક આચારસંહિતાના નિર્ણયના અમલ માટે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર નાગરિક સંહિતા (યુસીસી)નો ખરડો પાસ કરવાની કોઈ યોજના ધરાવે છે.
તેના જવાબમાં રિજ્જુએ જણાવ્યું હતું કે કાયદાપંચ પાસેથી મળતી જાણકારી મુજબ સમાન નાગરિક આચારસહિતાનો મામલો તેના દ્વારા વિચારાર્થે ઉઠાવાઈ શકે છે. પણ હમણા સુધી સમાન નાગરિક આચારસંહિતા લાગુ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી.
તેમણે આગળ જવાબ આપ્યો હતો કે સરકારે ૨૧મા કાયદાકીય પંચને યુસીસી સાથે સંલગ્ન જુદા-જુદા મુદ્દાઓની તપાસ કરવા અને તેના પર ભલામણ કરવા અનુરોધ કર્યો હતો. પણ આ કાયદા પંચનો સમયગાળો ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ પૂરો થઈ ગયો.
તેના પછી કાયદામંત્રીને કોલેજિયમ અંગે પણ સવાલ પૂછવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયામાં પોતાનો પ્રતિનિધિ નીમવાની યોગ્ય દિશામાં આગળ ધપી રહી છે. શું સરકાર ન્યાયાધીશોની નિમણૂક માટે સંઘ લોક સેવા આયોગ જેવા એક સ્વતંત્ર નિયમનકારની નિમણૂક કરવા વિચારણા કરી રહી છે.