એ આશ્ચર્યજનક છે કે કોંગ્રેસને કટોકટીને યાદ કરાતાં મરચાં લાગી રહ્યાં છે અને તે પણ ત્યારે, જ્યારે તે એવો દાવો કરી રહી છે કે તે બંધારણ બચાવવા માટે પ્રતિબદ્ઘ છે અને એ જ ક્રમમાં નવી લોક્સભાના પહેલા દિવસે સંસદ પરિસરમાં બંધારણની નકલો લહેરાવવામાં આવી! કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ જ કામ લોક્સભા ચૂંટણીઓ વખતે પણ કરતા હતા. જો કોંગ્રેસ અને તેમના સહયોગી પક્ષો બંધારણ બચાવા માટે વાસ્તવમાં પ્રતિબદ્ઘ હોય તો પછી તેમને કટોકટીના સ્મરણ પર વાંધો શું કામ હોવો જોઇએ? શું એટલા માટે કે કટોકટી લાદવાનું કામ કોંગ્રેસનાં ઇન્દિરા ગાંધીએ કર્યું હતું?
કટોકટી લાદીને તેમણે લોક્તંત્રને કલંક્તિ કર્યું હતું, સાથે જ બંધારણને કચડવાની સાથે દેશને બંદીગૃહમાં તબદીલ પણ કરી દીધો હતો. જો વિપક્ષી દળો અને વિશેષ રૂપે કોંગ્રેસ બંધારણ પ્રત્યે સહેજ પણ આદર ધરાવતા હોય તો તેમણે બંધારણની નકલો લહેરાવવાને બદલે કટોકટીના એ કાળા દોરને ન માત્ર યાદ કરવો જોઇએ, બલ્કે તેને લાગુ કરનારા લોકોની નિંદા પણ કરવી જોઇએ. કોંગ્રેસે કમ સે કમ એટલું તો સાહસ કરવું જ જોઇએ કે તે પોતાના નેતાઓ દ્વારા કટોકટી થોપવાને એક ભૂલ ગણાવે. જો તે એવું ન કરી શકે તો પછી તે કટોકટીકાળ સામે લડનારાઓની ટીકા તો ન જ કરે!
કોંગ્રેસ અયક્ષ મલ્લિકાર્જુન ખડગેના હિસાબે કેન્દ્ર સરકારે કટોકટી કાળને યાદ કરવાને બદલે વર્તમાન મુદ્દાઓ પર યાન કેન્દ્રિત કરવું જોઇએ. આખરે આ બંને મુદ્દા એક્સાથે કેમ ન થઈ શકે? શું ભૂતકાળની ભૂલોને યાદ ન કરવી જોઇએ? યાન રહે કે જે સમાજ ભૂતકાળની ભૂલોને ભૂલી જાય છે તે ફરીથી એવી જ ભૂલો દોહરાવવા અભિશપ્ત હોય છે. એ એક કુતર્ક જ છે કે કટોકટી કાળનું સ્મરણ એટલા માટે ન કરવું જોઇએ, કારણ કે તેને લાગુ થયે ૫૦ વર્ષ થવા જઈ રહ્યાં છે. શું કોંગ્રેસ હવે એમ પણ કહેશે કે દેશવાસીઓએ ભારત વિભાજનને યાદ ન કરવું જોઇએ?
જો કોંગ્રેસ અને તેની સાથે ઊભેલા રાજકીય પક્ષો એવું વિચારી રહ્યા હોય કે બંધારણની નકલો લહેરાવવાથી દેશ કટોકટી કાળને યાદ કરવાનું છોડી દેશે અને એ ભૂલી જશે કે એ દરમ્યાન વિપક્ષ, મીડિયા અને નાગરિક અધિકારોનું ભયાવહ દમન કરવાની સાથે બંધારણ સાથે કેવી રીતે છેડછાડ કરવામાં આવી હતી અને એ જ ક્રમમાં ન્યાયપાલિકાને પણ ધમકાવવામાં આવી હતી, તો એ સંભવ નથી. સારું રહેશે કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના નેતા બંધારણની જે નકલો લહેરાવી રહ્યા છે, તેને ખોલીને કશું નહીં તો બંધારણની પ્રસ્તાવના જ વાંચી લે, જેથી તેમને ખબર પડે કે કઈ રીતે બંધારણને બદલવાની કોશિશ કરવામાં આવી હતી. એ વિકૃત વિરોધાભાસ જ છે કે કોંગ્રેસ બંધારણ બચાવવાનો દમ પણ ભરી રહી છે અને એમ પણ કહી રહી છે કે મોદી જનાદેશની અવગણના કરીને વડાપ્રધાન બની ગયા છે!