કટિહાર જિલ્લાની એક ખાનગી શાળાના પ્રિન્સિપાલે ૨૦૦ રૂપિયા માટે વિદ્યાર્થીની હત્યા કરી નાખી. હત્યા બાદ તેને આત્મહત્યાનો કેસ બનાવવા માટે વિદ્યાર્થીની લાશને પણ લટકાવી દેવામાં આવી હતી. જોકે, બાદમાં પોલીસ તપાસ દરમિયાન મામલો પ્રકાશમાં આવ્યો હતો. મૃતક વિદ્યાર્થી પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સિપાલે ટીચર્સ ડે પર મિઠાઈ લાવવા માટે વિદ્યાર્થીને ૨૦૦ રૂપિયા આપ્યા હતા, જે વિદ્યાર્થીએ ગુમાવી દીધા. જેનાથી ગુસ્સે થઈને પ્રિન્સિપાલે વિદ્યાર્થીને માર માર્યો હતો. હાલ પોલીસે પ્રિન્સિપાલ અને અન્ય વિદ્યાર્થીની ધરપકડ કરી છે.
હકીક્તમાં, માનસાહી હાટ સ્થિત એક ખાનગી શાળામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા ૧૦ વર્ષના વિદ્યાર્થી જીશુ કુમારનું શુક્રવારે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. શાળાના આચાર્ય કમલ કુમાર નિરાલાએ તેને આત્મહત્યા ગણાવી હતી. મૃતક બાળકના પરિવારજનોએ તેને હત્યા ગણાવી હતી. પરિસ્થિતિને શંકાસ્પદ લાગતાં પોલીસે કેસની તપાસ કરી અને શાળાના આચાર્ય કમલ કુમાર નિરાલા અને એક વરિષ્ઠ વિદ્યાર્થી મોહમ્મદ રાજાની હત્યાના આરોપમાં ધરપકડ કરી. હત્યાનો ખુલાસો કરતા સદર ડીએસપી અભિજીત કુમાર સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે શિક્ષક દિવસ પર પ્રિન્સિપાલે બાળકને સામાન લાવવા માટે ૨૦૦ રૂપિયા આપ્યા હતા, પરંતુ આ દરમિયાન બાળકે તે પૈસા ગુમાવી દીધા. આ ગુસ્સામાં શુક્રવારે સવારે શાળાના પ્રિન્સિપાલે બાળકનું ગળું દબાવી હત્યા કરી હતી. આ પછી પ્રિન્સિપાલ અને અન્ય એક સિનિયર સ્ટુડન્ટે લાશને લટકાવીને આત્મહત્યા જેવો દેખાવ કર્યો હતો. જોકે, આ કેસમાં પોલીસે બંને હત્યારાઓની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.