કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ, ૧૯ માંથી ૧૮ના મોત

નેપાળના કાઠમંડુમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, આ વિમાનમાં ૧૯ લોકો સવાર હતા, જેમાંથી ૧૮ લોકોનાં મોત થયાં છે. સ્થાનિક મિડિયા મુજબ કાઠમંડુમાં એક એરપોર્ટ પર વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો મળી આવ્યા છે. આ વિમાન સૌર્ય એરલાઇન્સનું વિમાન ૧૯ લોકોને લઈને પોખરા જઈ રહ્યું હતું, ત્યારે ટેકઓફ વખતે દુર્ઘટનાનો શિકાર થયું હતું.

ઘટનાસ્થળેથી સામે આવેલા વિડિયોમાં એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટાની સાથે ભીષણ આગ જોઈ શકાય છે. આ વિમાનમાં ફક્ત એરલાઇન્સનો ટેક્નિકલ સ્ટાફ હોવાની માહિતી મળી રહી છે. જોકે તેમાં કોઈ મુસાફર મુસાફરી કરી રહ્યું નહોતું. આ માહિતી ખુદ એરપોર્ટના ઇન્ફર્મેશન ઓફિસરે આપી હતી. વિમાન જેવું જ ક્રેશ થયું તો જાણે આગના ગોળામાં રૂપાંતરિત થઈ ગયું હતું અને એકાએક ધુમાડાના ગોટેગોટા આકાશમાં સર્જાયા હતા.

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૮ લોકોનાં મોત થયાં છે. આ વિમાનમાં કુલ ૧૯ લોકો સવાર હોવાની માહિતી મળી છે. હાલ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિમાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલવવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટના પછી ત્રિભુવન એરપોર્ટ પર પહોંચનારા વિમાનોને લખનૌ કે કોલકાતા બાજુ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. નેપાળમાં પ્રતિ વર્ષ સરેરાશ એક વિમાન દુર્ઘટના બને છે. ૨૦૧૦થી માંડીને અત્યાર સુધી કમસે કમ ૧૨ વિમાન દુર્ઘટનાઓ થઈ ચૂકી છે

ગયા વર્ષે પણ નેપાળમાં વિમાન દુર્ઘટનામાં ૭૨ લોકોના મોત થયા હતા. વર્ષ ૨૦૨૩માં નેપાળમાં યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. યેતી એરલાઈન્સ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં પાંચ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે યેતી એરલાઈન્સનો અકસ્માત પાઈલટની ભૂલને કારણે થયો હતો, જ્યારે વિમાનના પાઈલટે ભૂલથી પાવર કાપી નાખ્યો હતો, જેના કારણે વિમાન ક્રેશ થયું હતું.