કઠલાલના વડથલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બે યુવકોના મોત,

નડિયાદ,

ખેડા જિલ્લાના મહુધા પંથકમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે ભાઈઓના કરુણ મોત નિપજયા છે. કઠલાલના બે પરપ્રાંતીય યુવાનો મોટરસાયકલ લઈને મહુધાના વડથલ ખાતે ધંધાની ઉઘરાણીએ આવતા અકસ્માત નડ્યો છે. અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજયા છે. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

મુળ તામીલનાડુના કુલથ્થુરના બે યુવાનો વ્યવસાય અર્થે ખેડા જિલ્લાના કઠલાલ ખાતે રહેતા હતા. ગુનસેકરન પલનીવેલ અને અરૂણકુમાર સંગલીમુથ્થુ નામના આ બે યુવાનો ગત રોજ મોટરસાયકલ નંબર (GJ 07 EH 3449) પર સવાર થઈને પોતાના ધંધા અર્થે મહુધાના વડથલ મૂકામે ઉઘરાણીએ ગયા હતા. ઉઘરાણી કરી પરત ફરતી વેળાએ વડથલ કેનાલ પાસે કોઈ અજાણ્યા વાહને તેમના મોટરસાયકલને ટક્કર મારી હતી. જેના કારણે આ બન્ને લોકો મોટરસાયકલ સાથે ફંગોળાયા હતા. અને એ બાદ રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું સ્થળ પર જ મોત નિપજયા હતા.

અકસ્માત કરનાર વાહન ઘટના સ્થળેથી વાહન લઇને ફરાર થઈ ગયો હતો. જોકે અકસ્માતમાં બાઈકને નુક્સાન થયું હતું. આ અકસ્માત સંદર્ભે મરણજનારના મિત્ર શૈલેષભાઈ મનુભાઈ પરમારે મહુધા પોલીસમાં જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.