કઠલાલ ચૌહાણપુર પાસે બે બાઇકો વચ્ચે અકસ્માતમાં એક વ્યકિતનું મોત

કઠલાલ, કઠલાલ પાસેના ચૌહાણપુરા સીમમાં ગતરાત્રે બે મોટરસાયકલો સામસામે અથડાયા હતા. જે પૈકી એક મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. કઠલાલ તાલુકાના સરાલી ગામના દંપતી માતાજીના દર્શન કરી મોટરસાયકલ પર પરત આવતા દંપતીને અકસ્માત નડ્યો છે. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

કઠલાલ તાલુકાના સરાલી ગામે રાઘા વિસ્તારમાં રહેતા પરેશભાઈ ભવાનભાઈ બારૈયા પોતે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ તરીકે નોકરી કરે છે. તેઓ ગતરોજ પોતાની પત્ની જશોદાબેનને મોટરસાયકલ પર બેસાડી નજીક આવેલ મસાણી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાંથી પરેશભાઈ અને તેમની પત્ની જશોદાબેન બંને મોટરસાયકલ પર પરત આવતા હતા. આ દરમિયાન કઠલાલના ચૌહાણપુરા સીમમાં આવતા સામેથી ફુલ સ્પિડે આવેલ અન્ય મોટરસાયકલના ચાલકે તેઓની મોટરસાયકલને ટક્કર મારી હતી.

આથી પરેશભાઈ અને તેમની પત્ની જશોદાબેન અને અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક વિરેન્દ્રસિંહ ભુપતસિહ ચૌહાણ તમામ લોકો રોડ પર પટકાયા હતા. જે પૈકી પરેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે પરેશભાઈને ગંભીર ઈજાઓ થઈ હોવાથી ડોક્ટરે તપાસતા તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ મામલે જશોદાબેન બારૈયએ કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.