ક્તારમાં સજા પામેલા ૮ ભારતીયોના પરિવારને વિદેશ મંત્રી જય શંકર મળ્યા

નવીદિલ્હી, ક્તારમાં ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે ત્યારે આજે વિદેશ મંત્રી એસ જયશંકર તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા. વિદેશ મંત્રી જયશંકરે આ અંગે ટ્વિટ કરી માહિતી આપી છે. જયશંકરે તે આઠ ઓફિસરોને મુક્ત કરાવવા અંગે કહ્યું હતુ કે આજે સવારે હું ક્તારમાં અટકાયત કરાયેલા ઓફિસરોના પરિવારને મળ્યો હતો અને સરકાર તેમની મુક્તિ માટેના તમામ પ્રયાસો કરી રહી છે

આ સમગ્ર બાબતને લઈને જયશંકરે જણાવ્યું હતું કે, “૮ ભારતીયોના પરિવારોને મળીને, મેં ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આ બાબતને પહેલુ મહત્વ આપી રહી છે અને પીડિતોના પરિવારોની ચિંતાઓ અને દર્દને સંપૂર્ણ રીતે સમજે છે. સરકાર તમામ ભારતીયોની મુક્તિ સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરતી રહેશે. “અમે તે સંબંધમાં પરિવારો સાથે નજીકથી સંકલન કરીશું.”

તમને જણાવી દઈએ કે ક્તારની કોર્ટે ભારતીયોને ફાંસીની સજા આપવા પર ભારતે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે અમે ક્તારની કોર્ટના આ નિર્ણયનો વિરોધ કરીશું. ગયા વર્ષે ઓગસ્ટમાં ક્તારી સત્તાવાળાઓએ આ ભારતીયોની ઈઝરાયેલ માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી અને બાદમાં તેમને જેલમાં મોકલી દીધા હતા. ત્યારથી ભારત સરકાર તેમને રાજદ્વારી ઍક્સેસ આપી રહી છે.

ક્તારમાં ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા પર, ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે જણાવ્યું હતું કે, “અમે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીએ અને અમારા કામદારોને રાહત મળે તે સુનિશ્ર્ચિત કરવા સરકાર દ્વારા દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.”

નોંધનીય છે કે આ ૮ ભારતીયોને કયા કેસમાં સજા કરવામાં આવી છે તે સત્તાવાર રીતે કહેવામાં આવ્યું નથી, પરંતુ અહેવાલો અનુસાર, આ તમામ પર ઇઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. ક્તારમાં આ લોકો દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટિંગ સર્વિસ માં કામ કરતા હતા, જે એક ખાનગી કંપની છે. આ કંપની ક્તારની સંરક્ષણ અને સુરક્ષા એજન્સીઓને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે.