કાશ્મીર ઘાટીને આતંક મુક્ત બનાવવા માટે સેનાની કાર્યવાહી સતત ચાલુ છે. દરમિયાન, સુરક્ષા દળો મંગળવારે રાત્રે સફળ રહ્યા હતા, જ્યાં બડગામમાં એન્કાઉન્ટરમાં બે સશસ્ત્ર આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓ કયા સંગઠન સાથે સંકળાયેલા છે તે અંગે હજુ સુધી જાણકારી મળી શકી નથી. સુરક્ષા દળનાં જવાનોએ આસપાસનાં વિસ્તારને ઘેરી લીધા હતા અને અન્ય આતંકીઓની શોધ કરી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, મંગળવારે મોડીરાતે મધ્ય કાશ્મીરનાં બડગામ જિલ્લાનાં મોચુઆ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા હોવાનું જાણવા મળ્યું હતુ. દરમિયાન, સેનાએ સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસનાં વિશેષ ઓપરેશન જૂથ સાથે મળીને એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેના પર આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. જેનો સૈનિકોએ પણ યોગ્ય જવાબ આપ્યો હતો અને બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આતંકીઓની ઓળખ હજી થઈ નથી.
આપને જણાવી દઈએ કે, આ પહેલા અનંતનાગમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી હતી, જ્યાં લશ્કરનો એક આતંકવાદી 17 ઓક્ટોબરનાં રોજ માર્યો ગયો હતો. જેની ઓળખ નાસીર શકીલ સાબ શાક તરીકે થઈ હતી. તે લાંબા સમયથી ખીણમાં સક્રિય હતો. તેની પાસેથી એકે -47 શસ્ત્ર પણ મળી આવ્યું હતું. હાલમાં, સેના એલઓસી પર ઘૂસણખોરી રોકવા માટે તકેદારી રાખી રહી છે, ત્યારે બીજી તરફ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવી રહી છે. જેના કારણે હવે ખીણમાં આતંકીઓની સંખ્યા ઓછી થઈ છે.