કાશ્મીરના રાજકારણમાં નવો વળાંક, એન્જિનિયર રાશિદ અને જમાતે હાથ મિલાવ્યા

દસ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવાની સાથે કાશ્મીરના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. જેલમાંથી મુક્ત થયેલી એન્જિનિયર રશીદની પાર્ટી અવામી ઇત્તેહાદ પાર્ટી અને જમાત-એ-ઇસ્લામીએ હાથ મિલાવ્યા છે. બંને વચ્ચેના ગઠબંધનની જાહેરાત રવિવારે કરવામાં આવી હતી. આ નવું ગઠબંધન ખીણમાં ચૂંટણી પરિણામોમાં ભારે ઉથલપાથલ મચાવી શકે છે.

આ નવું જોડાણ ઘાટીમાં એનસી-કોંગ્રેસ ગઠબંધન અને પીડીપીને ફટકો આપી શકે છે. દક્ષિણ કાશ્મીરમાં જમાતનો નોંધપાત્ર પ્રભાવ છે જ્યારે ઉત્તર કાશ્મીરમાં એઆઇપીનો નોંધપાત્ર પ્રભાવ છે. કુલગામ અને પુલવામાના ઘણા વિસ્તારો જમાતના ગઢ રહ્યા છે. લોક્સભા ચૂંટણીમાં એન્જીનિયર રાશિદે ઉત્તર કાશ્મીરની બારામુલા સીટ સહિત ૧૮માંથી ૧૫ વિધાનસભા સીટ પર જીત મેળવી હતી. રાશિદની પાર્ટીએ આ ચૂંટણીમાં પીડીપી અને એનસી છોડનારા કેટલાક નેતાઓને પણ ટિકિટ આપી છે.

બંને પક્ષો વચ્ચે યોજાયેલી બેઠકમાં એઆઇપીના વડા અને સાંસદ એન્જિનિયર રશીદ, પક્ષના મુખ્ય પ્રવક્તા ઇનામ ઉન નબી અને જમાતના નેતા ગુલામ કાદિર વાની અને અન્ય હાજર હતા. બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોએ વિસ્તારના લોકોના હિતોને યાનમાં રાખીને સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો છે. કેડરને સમગ્ર પ્રદેશમાં જોડાણનો સંદેશ ફેલાવવા માટે કહેવામાં આવ્યું છે જેથી બંને એકબીજાના ઉમેદવારોને સમર્થન આપી શકે.

આ ઉપરાંત બંને પક્ષો વચ્ચે સીટની વહેંચણી પર પણ સહમતિ બની હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એઆઇપી કુલગામ અને પુલવામા જિલ્લામાં જમાત સમથત ઉમેદવારોને સમર્થન આપશે, જ્યારે જમાત સમગ્ર કાશ્મીરમાં એઆઇપી ઉમેદવારોને સમર્થન કરશે. ઉત્તર કાશ્મીરના લંગેટ અને દક્ષિણ કાશ્મીરના દેવસર અને આઇનાપોરામાં બંને પક્ષો વચ્ચે મૈત્રીપૂર્ણ લડાઈ થશે.સમજૂતી બાદ એવું કહેવામાં આવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય જમાત અને એઆઇપી ઉમેદવારોને સારી જીત અપાવવાનો છે જેથી કરીને સંયુક્ત મોરચાની રચના થઈ શકે. શાંતિ, ન્યાય અને રાજકીય સશક્તિકરણ તરફ કામ કરી શકાય છે અને લોકોની આકાંક્ષાઓ અને ઇચ્છાઓ અનુસાર પગલાં લઈ શકાય છે.

અગાઉ,એનસી, કોંગ્રેસ અને સીપીઆઇ એમ વચ્ચે પ્રી-પોલ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. ગઠબંધન હેઠળ, ૯૦ વિધાનસભા બેઠકોમાંથી, એનસી ૫૧ પર અને કોંગ્રેસ ૩૨ પર ચૂંટણી લડી રહી છે. સીપીઆઇ એમ અને પેન્થર્સ ભીમા માટે એક-એક સીટ છોડવામાં આવી છે. કેટલીક બેઠકો પર એનસી અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો છે. નોંધનીય છે કે અનુસૂચિત જાતિ માટે સાત અને અનુસૂચિત જનજાતિ માટે નવ બેઠકો અનામત રાખવામાં આવી છે. ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કા માટે ૧૮મીએ, બીજા માટે ૨૫મીએ અને ત્રીજા તબક્કા માટે ૧લી ઓક્ટોબરે મતદાન થશે. ૮ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.